મહિલા પત્રકારોને ‘બહાર’ રાખતાં પ્રિયંકા ગાંધી ભડક્યા: PM મોદીને પૂછ્યું – ‘તાલિબાનના પગલે ચાલવું યોગ્ય છે?’

નવી દિલ્હી: ભારતના પ્રવાસે આવેલા તાલિબાનના વિદેશ પ્રધાન આમિર ખાન મુત્તકીની પ્રેસ કોન્ફરન્સમાંથી મહિલા પત્રકારોને બહાર રાખવાની ઘટનાને પગલે શુક્રવારથી જ દેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વિપક્ષી દળોએ આ મુદ્દે સરકારની પરવાનગી પર સવાલો ઉઠાવ્યા હતા, ત્યારે હવે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ ઘટનાને અત્યંત વાંધાજનક ગણાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરવા માંગ કરી છે.
પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર ઉઠાવ્યા સવાલ
શનિવારે પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે વડાપ્રધાન મોદીને સીધો સવાલ પૂછતાં કહ્યું, પ્રધાનમંત્રીજી, કૃપા કરીને તાલિબાનના પ્રતિનિધિની ભારત યાત્રા દરમિયાન આયોજિત પ્રેસ કોન્ફરન્સમાંથી મહિલા પત્રકારોને બહાર રાખવા પર આપનું વલણ સ્પષ્ટ કરો.
તેમણે મહિલાઓના સન્માન અને અધિકારોને લઈને પણ ગંભીર સવાલો ઉઠાવ્યા. પ્રિયંકા વાડ્રાએ કહ્યું, “જો મહિલાઓના અધિકારો પ્રત્યે તમારી માન્યતા માત્ર એક ચૂંટણીથી બીજી ચૂંટણી સુધીની સુવિધા અનુસારનો દેખાવ માત્ર નથી, તો પછી ભારતમાં દેશના ગૌરવ અને કરોડરજ્જુ સમાન સક્ષમ મહિલાઓનું અપમાન આપણા દેશમાં કેવી રીતે થવા દેવામાં આવ્યું?”
વિપક્ષે સરકારની નીતિ પર સવાલો ઉઠાવ્યા
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે આયોજિત મુત્તકીની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને સામેલ થવાની મંજૂરી નહોતી આપવામાં આવી, જેને કારણે રાજકારણ ગરમાયું છે. વિપક્ષી દળોએ આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે અને સરકાર કયા સંજોગોમાં આ પ્રકારની મંજૂરી આપી શકે તે અંગે જવાબ માંગી રહ્યા છે. હાલમાં, આ મામલે રાજકીય ખેંચતાણ વધી રહી છે.
આ પણ વાંચો…અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીની સ્પષ્ટતા, ભારત વિરુદ્ધ જમીનનો ઉપયોગ નહી થવા દેવાય