'મેક ઇન ઈન્ડિયા' હથિયારોએ આતંકીઓની ઊંઘ હરામ કરી: તમિલનાડુમાં PM Modiનો હુંકાર | મુંબઈ સમાચાર

‘મેક ઇન ઈન્ડિયા’ હથિયારોએ આતંકીઓની ઊંઘ હરામ કરી: તમિલનાડુમાં PM Modiનો હુંકાર

થૂથુકુડી: ચાર દિવસના વિદેશ પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારત પરત આવી ગયા છે. જોકે, માલદીવ્સથી પરત ફર્યા બાદ તરત તેઓ તમિલનાડુના બે દિવસના પ્રવાસે પહોંચી ગયા છે. તમિલનાડુને તેઓ અનેક વિકાસકાર્યોની ભેટ આપવાના છે. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થૂથુકુડી ખાતે જનતાનું સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ મેક ઇન ઈન્ડિયા હથિયારોની તાકત અંગે વાત કરી હતી.

હું સૌભાગ્યશાળી છું કે…

માલદીવ્સથી પરત ફરેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે તમિલનાડુના થૂથુકુડી એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે 450 કરોડના ખર્ચે બનેલા નવા ટર્મિનલ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ધાટન બાદ પોતાના સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “હું સૌભાગ્યશાળી છૂં કે ચાર દિવસની વિદેશયાત્રા બાદ મને ભગવાન રામેશ્વરની આ પવિત્ર ભૂમી પર આવવાનો અવસર મળ્યો છે. ગયા વર્ષે મેં બિલ ગેટ્સને થૂથુકુડી મોતીની ભેટ આપી હતી. જે તેમને ખૂબ પસંદ આવી હતી.”

પીએમ મોદીએ આગળ જણાવ્યું હતું કે, “એક સમય હતો. જ્યારે સમગ્ર વિશ્વમાં ભારત આર્થિક શક્તિનું પ્રતિક હતું. આજે અમે અહી પોતાના પ્રયત્નોથી વિકસિત તમિલનાડુ અને વિકસિત ભારતના વિઝનને આગળ વધારી રહ્યા છીએ. યૂકે અને ભારત વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો છે, જે આ વિઝનને વેગ આપે છે. સાથોસાથ તે ભારત પ્રત્યે વિશ્વના વધતા વિશ્વાસનું પ્રતિક છે. આ કરારથી ભારતની અર્થવ્યવસ્થા મજબૂત થશે. તેનાથી ભારત દુનિયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધશે.”

ભારતના હથિયારોએ આતંકીઓની ઊંઘ ઉડાવી

ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતની ઉપ્લબ્ધી અંગે વડા પ્રધાને જણાવ્યું હતું કે, “ઑપરેશન સિંદૂર દરમિયાન મેક ઇન ઈન્ડિયાની તાકત દેખાઈ છે. આતંકવાદીઓને ઠેકાણાઓને જમીનદોસ્ત કરવામાં મેક ઇન ઈન્ડિયાના હથિયારોની મોટી ભૂમિકા રહી છે. ભારતમાં બનેલા હથિયારે આંતકના આકાઓની ઊંઘ ઉડાવી હતી.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “તાજેતરમાં એન્જિનિયરિંગના એક અદ્ભૂત નમૂના સમાન ચિનાબ પુલ પ્રગતિનું પ્રતીક બની ગયો છે.પહેલીવાર જમ્મુને શ્રીનગર સાથે રેલવે દ્વારા જોડવામાં આવ્યું છે. અટલ સેતુ અને બોગીબીલ પુલથી લઈને સોનમર્ગ ટનલ સુધી, એનડીએ સરકારના કાર્યકાળમાં એવી અનેક પરિવર્તનકારી પરિયોજનાઓ પૂરી કરવામાં આવી છે. જેનાથી હજારો લોકોને રોજગારી મળી છે.”

ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ દિવસ નિમિત્તે શહીદોને યાદ કરતા કહ્યું હતું કે, “આજે કારગિલ દિવસ છે. હું આપણા વીર સૈનિકોને વંદન કરૂ છું અને કારગિલના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરૂં છું.”

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button