વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ તારીખે આવશે અયોધ્યાઃ રામ મંદિર પહેલા આપશે શહેરને આ ભેટ

આયોધ્યામાં હાલમાં ભગવાન રામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાની અને મંદિરને શ્રદ્ધાળુઓ માટે ખુલ્લુ મૂકવાની તડામાર તૈયારી ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ અહીં વડા પ્રધાન મોદી પણ આવશે, પરંતુ તે પહેલા પણ તેઓ અયોધ્યાની મુલાકાત લે તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી 15 ડિસેમ્બરે શ્રી રામ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા માટે અયોધ્યા આવી શકે છે. આ દરમિયાન તેમની સાથે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર રહેશે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી.
તાજેતરમાં યોગી અને નાગરિક ઉડ્ડયન પ્રધાનએ પણ એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું અને કહ્યું હતું કે તે 15 ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા જ શ્રીરામ એરપોર્ટ પરથી ફ્લાઈટ્સનું સંચાલન શરૂ કરવાની યોજના છે.
પ્રથમ વિમાન શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી દિલ્હી અને અમદાવાદ માટે ઉડાન ભરશે. ઈન્ડિગો એરલાઈન્સ આ સેવા શરૂ કરશે. દેશના બાકીના શહેરો માટે અન્ય એરલાઇન્સ સાથે વાતચીત ચાલી રહી છે. પ્રથમ તબક્કામાં માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવશે અને બીજો તબક્કો પૂર્ણ થયા બાદ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવશે, તેવી માહિતી સૂત્રો પાસેથી મળી હતી.