Ram mandir: રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા વડા પ્રધાન મોદી આજે તમિલનાડુના પ્રાચીન મંદિરોમાં દર્શન કરશે
ચેન્નઈ: અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 11 દિવસના અનુષ્ઠાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને તે અંતર્ગત વડા પ્રધાન મોદી ઘણા મંદિરોમાં દર્શનાર્થે પણ જઈ રહ્યા છે. જેમાં આજથી તામિલનાડુના અનેક મહત્વપૂર્ણ મંદિરોમાં દર્શન કરશે. જેમાં તેમની સાથે ઘણા મહાનુભાવો પણ જોડાશે. તે આજે સવારે 11 વાગ્યાની આસપાસ તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં શ્રી રંગનાથસ્વામી મંદિરમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે. તે સમયે મંદિરમાં વિદ્વાનો કંબા રામાયણમનું પઠન કરશે.
ત્યાર બાદ વડા પ્રધાન મોદી લગભગ 2 વાગ્યે રામેશ્વરમ પહોંચશે અને શ્રી અરુલમિગુ રામાનાથસ્વામી મંદિરમાં દર્શન અને પૂજા કરશે. અને ‘શ્રી રામાયણ પારાયણ’ કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઉપરાંત સાંજે મંદિર પરિસરમાં ભક્તિ ગીતો ગાવામાં આવશે અને ત્યારે પીએમ આ ભજન સંધ્યામાં પણ ભાગ લેશે,
પીએમ મોદી 21મીએ ધનુષકોડીમાં કોથંદરમાસ્વામી મંદિરના દર્શનાર્થે જશે. મોદી ધનુષકોડી નજીક અરિચલ મુનાઈની પણ મુલાકાત લેશે, કહેવાય છે કે ત્યાં રામ સેતુનું નિર્માણ થયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તામિલનાડુના ત્રણ દિવસના પ્રવાસે જવા માટે 19 જાન્યુઆરીના રોજ સાંજે ચેન્નઈ પહોંચ્યા હતા. પીએમ મોદીએ ચેન્નઈમાં ચાર કિલોમીટર લાંબો રોડ શો યોજ્યો હતો. આ રોડ શો માટે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમજ રસ્તાની બંને બાજુ ઉભેલા રહીને લોકોએ પીએમ મોદી પર ફૂલો વર્ષાવ્યા હતા.