આવતા મહિને વડા પ્રધાન મોદી કરશે શ્રીલંકાનો પ્રવાસ; આ બાબતોથી પ્રવાસ મહત્વપૂર્ણ….

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગલા મહિને શ્રીલંકાનાં પ્રવાસે જવાના છે. ગયા વર્ષે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેની દિલ્હી મુલાકાત દરમિયાન થયેલા કરારોને અંતિમ સ્વરૂપ આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિનાની શરૂઆતમાં શ્રીલંકાની મુલાકાતે જવાનાં છે. શ્રીલંકાનાં વિદેશ પ્રધાન વિજિતા હેરાથે સંસદમાં ચર્ચા પર પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આ નિવેદન આપ્યું હતું.
કરારોનાં અંતિમ સ્વરૂપ માટે બેઠક મહત્વપૂર્ણ
પ્રાપ્ત વિગતો અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી એપ્રિલમાં શ્રીલંકાની મુલાકાત લેશે. શ્રીલંકાના વિદેશ પ્રધાન વિજિતા હેરાથે શનિવારે સંસદમાં આ જાહેરાત કરતા કહ્યું હતું કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિનાની શરૂઆતમાં શ્રીલંકાની મુલાકાત લેશે.
આપણ વાંચો: ગુજરાતના ખેડૂતોને વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે વર્ચ્યુઅલ સંબોધન, ૨.૫0 લાખથી વધુ ખેડૂતો જોડાશે…
ગયા વર્ષે રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેની ભારત મુલાકાત દરમિયાન થયેલા કરારોને અંતિમ સ્વરૂપ આપવા માટે આ મુલાકાત મહત્વપૂર્ણ છે. આ દરમિયાન, ઘણા નવા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવી શકે છે અને સંપુર સોલાર પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે. 2015 પછી પીએમ મોદીની શ્રીલંકાની આ ચોથી મુલાકાત હશે.
ભારત સાથે શ્રીલંકાના સંબંધો ખૂબ ગાઢ
સંસદમાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન એક પ્રશ્નના જવાબમાં વિદેશ પ્રધાન હેરાથે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ભારત સાથે શ્રીલંકાના સંબંધો ખૂબ જ ગાઢ છે. હેરાથે જણાવ્યું હતું કે શ્રીલંકાની પહેલી રાજદ્વારી મુલાકાત ભારતની હતી, જ્યાં અનેક દ્વિપક્ષીય કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.