વડાપ્રધાન મોદીએ ઈલોન મસ્ક સાથે ફોન પર વાત કરી, આ ક્ષેત્રે ભાગીદારી આગળ વધારશે

નવી દિલ્હી: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસના બિલિયોનેર ઈલોન મસ્ક સાથે આજે શુક્રવારે ફોન પર વાત (PM Modi calls Elon Musk) કરી હતી. બંને વચ્ચે ટેકનોલોજી અને ઇનોવેશન ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા થઇ હતી. ડોનાલ્ડ ટ્રમ્પ વિવિધ દેશો પર ટેરીફ લગાવી રહ્યા છે, એવામાં આ વાતચીતને ખાસ માનવામાં આવી રહી છે, કેમ કે ઈલોન મસ્ક રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સલાહકાર છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં વડાપ્રધાન મોદીએ લખ્યું, “@elonmusk સાથે વાત કરી. આ વર્ષની શરૂઆતમાં વોશિંગ્ટન ડીસીમાં અમારી મુલાકાત દરમિયાન આવરી લેવામાં આવેલા વિષયો સહિત વિવિધ મુદ્દાઓ પર વાત કરી. અમે ટેકનોલોજી અને ઇનોવેશન ક્ષેત્રોમાં સહયોગની અપાર સંભાવનાઓ પર ચર્ચા કરી.”
વડા પ્રધાન મોદીએ કહ્યું કે ભારત ટેકનોલોજીમાં અમેરિકા સાથે તેની દ્વિપક્ષીય ભાગીદારીને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.
ભારત અને અમેરિકા 2030 સુધીમાં $500 બિલિયનના વેપાર સુધી પહોંચવાના લક્ષ્ય સાથે એક મહત્વાકાંક્ષી કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે.
આ પણ વાંચો: મોદી-મસ્કની બેઠક બાદ ટેસ્લાએ ભારતમાં ભરતી શરુ કરી, આ રીતે અરજી કરી શકાશે…
ફેબ્રુઆરીમાં અમેરિકાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી વોશિંગ્ટનમાં ઈલોન માસ્કને મળ્યા હતા. બંનેએ અવકાશ, મોબીલીટી, ટેકનોલોજી અને ઇનોવેશન સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. મસ્કની કંપની, સ્ટારલિંકે તાજેતરમાં દેશમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા પ્રદાન કરવા માટે ટેલિકોમ જાયન્ટ્સ રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ સાથે જોડાણ કર્યું છે.
યુએસના વાઈસ પ્રેસીડેન્ટ જેડી વાન્સ અને તેમના પત્ની ઉષા આવતા અઠવાડિયે ભારતની મુલાકાતે આવવાના છે.