વડા પ્રધાન મોદી ૨૯મીએ સિક્કિમની મુલાકાત લે તેવી સંભાવના

ગંગટોકઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૯ મેના રોજ સિક્કિમના ૫૦મા સ્થાપના દિવસ સમારોહમાં હાજરી આપવા માટે રાજ્યની મુલાકાત લઇ શકે છે, એમ મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમાંગે આપી હતી.
મુખ્ય પ્રધાને જણાવ્યું કે પ્રસ્તાવિત મુલાકાત અંગે વડા પ્રધાન કાર્યાલય તરફથી અંતિમ પુષ્ટિ હજુ સુધી મળી નથી, પરંતુ અન્ય તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થઇ ગઇ છે. તમાંગે જણાવ્યું હતું કે તે દિવસે વડા પ્રધાનનું સ્વાગત કરવા માટે લગભગ એક લાખ લોકો પાલજોર સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેશે. અગાઉ અમે મનન કેન્દ્રમાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું, પરંતુ તે સ્થળે આટલી મોટી ભીડ સમાવવી અશક્ય હતું. તેથી અમે કાર્યક્રમનું સ્થળ બદલ્યું હતું.
આ પણ વાંચો: વડા પ્રધાન મોદી આ તારીખે જશે બિકાનેર, કરણી માતાના મંદિરે પણ જશે
તેમણે જણાવ્યું કે વડા પ્રધાન આ ઐતિહાસિક પ્રસંગે લોકોને અભિનંદન આપવા માટે રાજ્યની મુલાકાત લેવા માંગે છે. લગભગ આ વાતની પુષ્ટિ થઇ ગઇ છે. આ રાજ્યની સાથે-સાથે દેશ માટે પણ એક ઐતિહાસિક પ્રસંગ છે. તેથી વડા પ્રધાન ચોક્કસપણે અહીં આવશે.
અધિકારીઓએ જણાવ્યું કે વડા પ્રધાનની પ્રસ્તાવિત મુલાકાતની તૈયારીઓની સમીક્ષા કરવા માટે શનિવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ હતી. નોંધનીય છે કે ૧૯૪૭માં દેશની સ્વતંત્રતા પછી ભારતીય સંઘ હેઠળ સંરક્ષિત રાજ્યનો દરજ્જો મેળવનાર સિક્કિમ ૧૬ મે ૧૯૭૫ના રોજ લોકમત બાદ ભારતીય રાજ્ય બન્યું હતું.