બુલેટ ટ્રેન માટે વડા પ્રધાન મોદીએ આપ્યું મોટું નિવેદન, હવે એ સમય દૂર નથી કે
નવી દિલ્હીઃ એ સમય દૂર નથી જ્યારે ભારતમાં પ્રથમ બુલેટ ટ્રેન દોડશે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું તેમ જ તેમણે દેશભરમાં હાઇ-સ્પીડ ટ્રેનોની વધતી જતી માંગ અને તેમની સરકાર હેઠળ આ ક્ષેત્રમાં થયેલા ઐતિહાસિક પરિવર્તનને રેખાંકિત કર્યું હતું.
આ પણ વાંચો: બુલેટ ટ્રેન પ્રોજેક્ટઃ મણિનગર સ્ટેશન નજીકનો 100 મીટરનો રોડ 3 મહિના માટે બંધ
ભારતની છબિ બદલાઈ અને મનોબળ વધ્યું
જમ્મુ ડિવિઝનના ઉદ્ઘાટન સહિત અનેક રેલવે પ્રોજેકટ્સનું ઉદ્ઘાટન કરતાં મોદીએ જણાવ્યું કે છેલ્લા એક દાયકામાં રેલવેમાં ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. તેમણે એક વીડિયો સંબોધનમાં કહ્યું કે આનાથી ભારતની છબિ બદલાઇ છે અને લોકોનું મનોબળ વધ્યું છે. આ કાર્યક્રમમાં તેલંગાણા, ઓડિશા અને જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન તથા અન્ય મહાનુભાવોએ ભાગ લીધો હતો.
136 વંદે ભારત દેશમાં દોડે છે…
વડા પ્રધાને જણાવ્યું કે લોકો લાંબુ અંતર કાપવામાં ઓછો સમય પસાર કરવા માંગે છે, જેના કારણે હાઇ-સ્પીડ ટ્રેનોની માંગ વધી રહી છે. તેમણે કહ્યું કે ૫૦થી વધુ રૂટો પર ૧૩૬થી વધુ વંદે ભારત ટ્રેનો દોડી રહી છે. તેણે તાજેતરના ટ્રાયલ રનનો ઉલ્લેખ કર્યો, જેમાં ટ્રેન ૧૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી હતી. એ સમય દૂર નથી જ્યારે ભારતમાં પહેલી બુલેટ ટ્રેન દોડશે.
દેશ સાથે મળીને આગળ વધી રહ્યો છે
છેલ્લા કેટલાક દિવસોમાં મોદીએ અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે. તેમણે કહ્યું કે ભારતે નવા વર્ષમાં કનેક્ટિવિટીમાં ઝડપી ગતિ જાળવી રાખી છે. આજે શરૂ કરાયેલા પ્રોજેક્ટ્સ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે દેશના ઘણા ભાગો માટે ‘નવા યુગની કનેક્ટિવિટી’નો આ એક મોટો દિવસ છે. તેમણે કહ્યું કે સમગ્ર દેશ સાથે મળીને આગળ વધી રહ્યો છે અને આ જ ‘સબકા સાથ, સબકા વિકાસ’ છે.