
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. દિલ્હીના શિક્ષણ પ્રધાન આતિશીએ કહ્યું કે દિલ્હીમાં પ્રાથમિક શાળાઓ 10 નવેમ્બર સુધી બંધ રહેશે, જો કે ધો.6 થી 12 માટે શાળાઓને આદેશ આપવામાં આવ્યો નથી, પરંતુ શાળાઓને આમ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જો શાળા ઈચ્છે તો ઓનલાઈન વર્ગો લઈ શકે છે. અગાઉ ધોરણ 5 સુધીની શાળાઓ 5 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં અવ્યો હતો, હવે તેને વધારીને 10 નવેમ્બર કરવામાં આવી છે.
દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચી ગયું છે. દિલ્હી-એનસીઆરમાં ઘણી જગ્યાએ એર ક્વોલીટી ઇન્ડેક્સ(AQI) 450ને પાર કરી ગયો છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના ડેટા અનુસાર, રાજધાની દિલ્હીમાં 5 નવેમ્બરે સવારે 4.18 વાગ્યે AQI 453 નોંધવામાં આવ્યો હતો, જે ગંભીર શ્રેણીમાં આવે છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેર અને તેની આસપાસના જિલ્લાઓમાં વસતા લોકો ઝેરી હવામાં શ્વાસ લેવા મજબુર બન્યા છે. હાલ તો પ્રદુષણથી કોઈ રાહત મળવાની આશા નથી.
સ્વિસ IQAirના ડેટા અનુસાર, રાજધાની દિલ્હી આજે કોલકાતા અને મુંબઈની સાથે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાંનું એક છે. નવી દિલ્હી આજે સવારે 7.30 વાગ્યે 483 ના AQI સાથે રીઅલ-ટાઇમ લીસ્ટમાં ફરીથી ટોચ પર રહ્યું, ત્યારબાદ બીજા નંબરે 371 AQI સાથે પાકિસ્તાનનું લાહોર છે. તે જ સમયે, કોલકાતા અને મુંબઈ પણ અનુક્રમે 206 અને 162ના AQI સાથે વાયુ પ્રદૂષણથી સૌથી વધુ પ્રભાવિત પાંચ શહેરોમાં સામેલ છે.