અભિમાન માણસાઈ પણ ભૂલાવી દે છેઃ પૂર્વ પીએમના પુત્રવધુએ બાઈકસાવરને કહ્યું કે…
મદ, ઘમંડ, અભિમાન, અંહકાર આ બધુ તેની હદ વટાવે ત્યારે માણસાઈ, દયા, જવાબદારી, નીતિમત્તા બધુ જ સ્વાહા થઈ જતું હોય છે. આવો જ કિસ્સો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દેશના પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની પુત્રવધૂ અને એચડી રેવન્નાની પત્ની ભવાની રેવન્નાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપમાં ભવાની રેવન્ના એક બાઇક સવાર સાથે બોલાચાલી કરી રહી હોય તેવું જાણવા મળ્યું છે.
સ્થાનિક ભાષામા વાયરલ થયેલા આ વીડિયોમાં જણાઈ છે કે ભવાની રેવન્નાની કાર કોઈ બાઈકસવાર સાથે ટકરાઈ હતી અને તેમની કારને નુકસાન ગયું હતું. તેની નુકસાની કોણ ભરશે તેમ પૂછતા તે બાઈકસવારને એમ કહેતી નજરે પડે છે કે મરવું હોય તો બસ નીચે આવીને મરે, મારી 1.5 કરોડની કાર સાથે શા માટે ટકરાય છે. મીડિયા રિપોર્ટ્સ દ્વારા મળતી માહિતી અનુસાર અહીં અક્સમાત થતા લોકો ભેગા થઈ ગયા હતા અને બધા બાઈકસાવરની સંભાળ લઈ રહ્યા હતા.
તે વીડિયોમાં ઉંચા અવાજે બોલે છે અને ત્યાં હાજર લોકો પર પોતાનો ગુસ્સો કાઢતી પણ જોવા મળે છે. તે કહે છે કે તેની કારની કિંમત 1.5 કરોડ રૂપિયા છે, તે ડેમેજ થઈ ગઈ છે હવે તેની નુકસાન ભરપાઈ કોણ કરશે.
મળતી માહિતી અનુસાર જેડીએસ નેતા ભવાની રેવન્નાની કાર અને બાઇક વચ્ચે ટક્કર થઈ હતી. આ પછી ભવાની રેવન્નાના ડ્રાઈવર મંજુનાથે બાઇક સવાર શિવન્ના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બાઇકને ટક્કર મારનાર બાઇક ચાલક સામે ગુનો નોંધ્યો છે. મૈસુર જિલ્લાના સાલીગ્રામા પોલીસ સ્ટેશનમાં સીઆરપીસીની કલમ 157 હેઠળ બાઇક સવાર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.