રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી સહિત મહાનુભાવોએ ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલને શ્રદ્ધાંજલિ આપી
મુંબઇઃ જાણીતા ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલના મૃત્યુ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વોત્તર ક્ષેત્રના કેન્દ્રીય સંચાર અને વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી સહિત અનેક બોલિવૂડ હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ સોમવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં તેમના શોક સંદેશમાં જણાવ્યું હતું કે, “શ્રી શ્યામ બેનેગલનું નિધન ભારતીય સિનેમા અને ટેલિવિઝનના એક ગૌરવશાળી અધ્યાયનો અંત દર્શાવે છે. તેમણે એક નવા પ્રકારનું સિનેમા શરૂ કર્યું અને ઘણી ક્લાસિક ફિલ્મોનું નિર્માણ કર્યું. તેઓ એક સાચી સંસ્થા હતા, જેણે ઘણા કલાકારોને તૈયાર કર્યા.
તેમના અસાધારણ યોગદાનને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અને પદ્મ ભૂષણ સહિત અનેક પુરસ્કારોના રૂપે ઓળખવામાં આવ્યા હતા. તેમના પરિવારના સભ્યો અને તેમના અસંખ્ય ચાહકો પ્રત્યે મારી સંવેદના.” પી એમ મોદીએ મોદીએ પ્રખ્યાત ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલના નિધન પર સંવેદના વ્યક્ત કરી છે. સોમવારે સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા એક સંદેશમાં, વડા પ્રધાન મોદીએ લખ્યું હતું કે, “હું શ્યામ બેનેગલજીના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેમની વાર્તા કહેવાની કળાએ ભારતીય સિનેમા પર ઊંડી અસર કરી હતી. તેમના કાર્યની હંમેશા જીવનના વિવિધ ક્ષેત્રના લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવશે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.” શ્યામ બેનેગલને શ્રદ્ધાસુમન અર્પતા સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટર પર લખ્યું હતું કે, “હું શ્યામ બેનેગલજીના નિધનથી દુઃખી છું, તેઓ એક સ્વપ્નદ્રષ્ટા ફિલ્મ નિર્માતા હતા જેમણે ભારતની વાર્તાઓને ઊંડાણ અને સંવેદનશીલતા સાથે જીવંત કરી હતી. સિનેમામાં તેમનો વારસો અને સામાજિક મુદ્દાઓ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પેઢીઓને પ્રેરણા આપશે. વિશ્વભરના તેમના ચાહકોને મારી હૃદયપૂર્વકની સંવેદના.
Also read: સમય બદલાયો, સિનેમા બદલાયું અને મને લાગ્યું કે હું એ ‘નવા સિનેમા’માં ફિટ નહીં થાઉં
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાવ મમતા બેનરજીએ પણ શ્યામ બેનેગલને શ્રદ્ધાંજલિ આપતા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું હતું કે, “અમારા જાણીતા ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલના નિધનથી દુઃખી છું. ભારતીય સમાંતર સિનેમાનો આધારસ્તંભ, બેનેગલને બધા દ્વારા વખાણવામાં આવ્યા હતા. તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી સંવેદના.
ફિલ્મ નિર્માતા શેખર કપૂરે બેનેગલને શ્રદ્ધાંજલિ આપતા સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે , “તેમણે ‘ન્યુ વેવ’ સિનેમા બનાવ્યું.” અંકુર, મંથન અને અસંખ્ય અન્ય ફિલ્મો સાથે ભારતીય સિનેમાની દિશા બદલી નાખનાર વ્યક્તિ તરીકે શ્યામ બેનેગલને હંમેશા યાદ કરવામાં આવશે. તેમણે શબામા આઝમી અને સ્મિતા પાટિલ જેવા મહાન કલાકારોને સ્ટાર બનાવ્યા. મારા મિત્ર અને માર્ગદર્શકને ગુડબાય.”
શ્યામ બેનેગલનને ઉપ રાષ્ટ્રપતિ ધનખર, લોકસભા સ્પીકર ઓમ બીરલા ઉપરાંત દેશભરની સેલિબ્રિટીઓ, રાજકારણીઓ અને પ્રશંસકો તરફથી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.