સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ દેશને સંબોધ્યો, પીએમ મોદીએ શું કહ્યું?
ભારતના વૈશ્વિક ચેસ પ્રભુત્વની રાષ્ટ્રપતિએ કરી પ્રશંસા, શિક્ષણ, અર્થતંત્ર પર ભાર મૂક્યો

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) 2020એ દૂરગામી ફેરફારો લઈને આવી છે, જેમાં શીખવાને મૂલ્યો અને કૌશલ્યને પરંપરા સાથે જોડવામાં આવ્યું છે. 79મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જણાવ્યું કે સરકારે ઉદ્યોગસાહસિક આકાંક્ષાઓ ધરાવતા લોકો માટે સૌથી અનુકૂળ ઇકોસિસ્ટમ બનાવી છે. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટવિટ કરીને રાષ્ટ્રપતિના સંબોધન અંગે મહત્ત્વની વાત કરી હોવાનું જણાવ્યું.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જણાવ્યું હતું કે ભારત આત્મનિર્ભર દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે અને 2047 સુધીમાં વિકસિત અર્થતંત્ર બનવાના ખૂબ જ વિશ્વાસ સાથે આગળ વધી રહ્યો છે. દેશનું અર્થતંત્ર સારી સ્થિતિમાં છે, ફુગાવો નિયંત્રણમાં છે અને નિકાસ વધી રહી છે.
રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે “વિદેશી શાસનના લાંબા વર્ષો પછી ભારત સ્વતંત્રતા સમયે ખૂબ જ ગરીબીમાં હતું. પરંતુ ત્યારથી 78 વર્ષમાં આપણે બધા ક્ષેત્રોમાં અસાધારણ પ્રગતિ કરી છે. ભારત આત્મનિર્ભર રાષ્ટ્ર બનવા તરફ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. આર્થિક ક્ષેત્રમાં ભારતની સિદ્ધિઓ નોંધપાત્ર છે. ગયા નાણાકીય વર્ષમાં જીડીપી 6.5 ટકાના દરે વધ્યો છે, જેના કારણે દેશ વિશ્વના મુખ્ય અર્થતંત્રોમાં સૌથી ઝડપથી વિકસતો દેશ બન્યો છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે આપણા યુવાનોને આખરે તેમના સપનાઓને સાકાર કરવા માટે યોગ્ય વાતાવરણ મળ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દૂરગામી ફેરફારો લાવી છે, જેમાં શીખવાને મૂલ્યો અને કૌશલ્યને પરંપરા સાથે જોડવામાં આવ્યું છે. રોજગારની તકો વધી રહી છે. ઉદ્યોગસાહસિક આકાંક્ષાઓ ધરાવતા લોકો માટે સરકારે સૌથી અનુકૂળ ઇકોસિસ્ટમ બનાવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે રાષ્ટ્રને સંબોધનમાં ભારતના વૈશ્વિક ચેસ પ્રભુત્વની પ્રશંસા કરી હતી. દરમિયાન તેમણે એમ પણ કહ્યું હતું કે દેશ રમતગમતના ક્ષેત્રમાં “પરિવર્તનશીલ ફેરફારો”ની ટોચ પર છે.
ગયા વર્ષે સૌથી નાની ઉંમરના વિશ્વ ચેમ્પિયન તરીકે 18 વર્ષીય ડી ગુકેશની જીતથી ભારતના ચેસના દિગ્ગજો માટે ઉત્તમ પરિણામોનો નવો સમયગાળો શરૂ થયો હતો જેમાં આર પ્રજ્ઞાનાનંદા, અર્જુન એરિગૈસી, વિદિથ ગુજરાતી, કોનેરુ હમ્પી, દિવ્યા દેશમુખ અને આર વૈશાલી જેવા ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સમાં સતત મજબૂત પ્રદર્શન કર્યું. દેશમુખ (19) ગયા મહિને ફાઇનલમાં હમ્પીને હરાવીને સૌથી નાની ઉંમરની મહિલા વર્લ્ડ કપ વિજેતા બની હતી.
રાષ્ટ્રપતિના સંબોધનની નોંધ લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર ટવિટ કરી હતી. પીએમ મોદીએ ટવિટમાં લખ્યું કે રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં મહત્ત્વની વાત જણાવી હતી. તેમણે સામૂહિક પ્રયાસથી ભારતનો વિકાસ અને ભવિષ્યની તકો પર વિશેષ જોર આપ્યું છે. રાષ્ટ્રપતિએ આપણને એ લોકોના બલિદાનની યાદ અપાવી, જેમના બલિદાનથી આઝાદીનું સપનું સાકાર થયું. એની સાથે તેમણે દેશવાસીઓને રાષ્ટ્ર નિર્માણમાં લોકભાગીદારીનો પણ આગ્રહ સેવ્યો હતો.