માલદીવના રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુએ કહ્યું “Thanks India”
નવી દિલ્હી: આજે શનિવારે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને મળ્યા બાદ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુએ ભારતનો આભાર માન્યો છે. તેણે ભારતની સાથે વડાપ્રધાન મોદીનો પણ આભાર માન્યો છે. મુઇઝ્ઝુએ કહ્યું કે ભારત હંમેશા માલદીવની મદદ કરતું આવ્યું છે. મુલાકાત દરમિયાન મુઇઝ્ઝુ અને જયશંકરે બંને દેશોના નાગરિકોના હિતો અને પ્રાદેશિક સમૃદ્ધિ માટે ભારત-માલદીવ સંબંધોને વધુ ગાઢ બનાવવાની નવી દિલ્હીની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.
વિદેશ પ્રધાન એસ. જયશંકર ત્રણ દિવસીય માલદીવની સત્તાવાર મુલાકાતે છે. ગયા વર્ષે ચીન તરફી મુઇઝ્ઝુએ સત્તા સંભાળ્યા પછી ભારત તરફથી માલદીવની આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત છે. મુઇઝ્ઝુએ ‘X’ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે જયશંકરને મળીને અને માલદીવના 28 ટાપુઓમાં પાણી અને ગટર યોજનાઓના અધિકૃત હસ્તાંતરણમાં તેમની ભાગીદારી ખુશીની વાત છે.
જયશંકર સાથેની તેમની મુલાકાતની તસવીરો શેર કરતાં તેમણે લખ્યું, “માલદીવને હંમેશા સમર્થન આપવા બદલ હું ભારત સરકાર, ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું. અમારી સ્થાયી ભાગીદારી સતત મજબૂત થઈ રહી છે. તે સુરક્ષા, વિકાસ અને સાંસ્કૃતિક પર સહકારના માધ્યમથી બંને દેશોને નજીક લાવી રહી છે. અમે આ ક્ષેત્ર માટે વધુ ઉજ્જવળ ભવિષ્યને આકાર આપી રહ્યા છીએ.”
વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે માલદીવને 28 ટાપુઓ પર ભારત તરફથી 110 મિલિયન અમેરિકી ડોલરના ખર્ચે એક વિશાળ જળ અને સ્વચ્છતા પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ દ્વીપસમૂહ દેશની સાત ટકા વસ્તીને આવરી લેશે. ત્રણ દિવસની સત્તાવાર મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ અને એસ. જયશંકરે એક કાર્યક્રમમાં આ પ્રોજેક્ટનું વર્ચ્યુલી ઉદ્ઘાટન કર્યું હતું.
ચીન તરફી વલણ ધરાવતા મુઇઝ્ઝુ નવેમ્બર 2023માં રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો વણસ્યા હતા. શપથ લીધાના કલાકોમાં જ તેમણે માલદીવમાં તૈનાત ભારતીય સૈન્ય કર્મચારીઓને પરત મોકલવાનો નિર્ણય લીધો હતો. માલદીવ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતના મુખ્ય પડોશી દેશોમાંનું એક છે અને અગાઉની સરકાર દરમિયાન બંને દેશો વચ્ચે મજબૂત સંરક્ષણ અને સુરક્ષા સંબંધો સ્થાપિત થયા હતા.