1987 બેચના IASઅધિકારી ટીવી સોમનાથનને સોંપાયુ કેબિનેટ સચિવનું પદ
નવી દિલ્હી: સરકારે વરિષ્ઠ ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી ટીવી સોમનાથનને દેશના આગામી કેબિનેટ સચિવ તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) દ્વારા આજે શનિવારે પરિપત્ર જાહેર કરીને વર્ષ 1987 બેચના તમિલનાડુ કેડરના આઈએએસ અધિકારી ટીવી સોમનાથન આ મહિનાના અંતમાં તેમનો નવો કાર્યભાર સંભાળશે. ટીવી સોમનાથન ઝારખંડ કેડરના 1982 બેચના IAS અધિકારી અને વર્તમાન કેબિનેટ સચિવ રાજીવ ગૌબાનું સ્થાન લેશે.
પરિપત્ર અનુસાર, કેબિનેટ સચિવનું પદ સંભાળતા પહેલા સોમનાથન કેબિનેટ સચિવાલયમાં વિશેષ ફરજ પરના અધિકારી તરીકે સેવા આપશે. તેમનો કાર્યકાળ 30 ઓગસ્ટથી શરૂ થશે અને તેઓ આગામી બે વર્ષ સુધી તેઓ આ પદ પર રહેશે.
કેબિનેટ સચિવનું પદ ભારત સરકારની કારોબારીમાં સર્વોચ્ચ પદ છે. કેબિનેટ સચિવ તરીકે નિયુક્ત અધિકારી ભારત સરકારના સચિવોની સમિતિનું નેતૃત્વ કરે છે. આ પદ સૌથી વરિષ્ઠ IAS અધિકારીઓમાંથી એકને આપવામાં આવે છે. જે વડા પ્રધાન અને કેબિનેટને વહીવટી સલાહ આપવા માટે સીધા જવાબદાર છે.
કેબિનેટ સચિવનો કાર્યકાળ સામાન્ય રીતે બે વર્ષનો હોય છે પરંતુ સરકાર તેને લંબાવી શકે છે. આ હોદ્દો ધરાવનાર વ્યક્તિને વહીવટી કાર્યોમાં વ્યાપક અનુભવ અને નેતૃત્વ ક્ષમતાની આવશ્યકતા હોય છે. કારણ કે તેમને સરકારી નીતિઓના અમલીકરણ, વિવિધ મંત્રાલયો વચ્ચે સંકલન અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા મુદ્દાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.