SC-STમાં વર્ગીકરણ મુદ્દે ખડગેનું નિવેદન “ધીમે ધીમે કરી ભાજપનો અનામત હટાવવાનો પ્રયાસ”
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Kharge) SC-ST અનામત (SC-ST Reservation) પર સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાને લઈને કેન્દ્ર સરકારને ભીંસમાં લીધી છે. ખડગેએ કહ્યું કે હાલમાં જ સુપ્રીમ કોર્ટના 7 ન્યાયાધીશોએ એક ચુકાદો આપ્યો છે, જેમાં તેઓએ SC-ST શ્રેણીના લોકોના પેટા વર્ગીકરણ તેમજ ક્રીમીલેયરની વાત કરી છે. કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયને સંસદમાં લાવીને ફગાવી દેવો જોઈતો હતો પરંતુ આજે 10-15 દિવસ થઈ ગયા છે, પરંતુ તેમની પાસે આ માટે સમય નથી.
ખડગેએ કહ્યું હતું કે ભારતમાં દલિત સમુદાયના લોકોને અનામત બાબાસાહેબ આંબેડકરપણ પૂના કરારના ભાગરૂપે મળ્યું છે. ત્યારબાદ જવાહરલાલ નહેરુ અને મહાત્મા ગાંધીએ આરક્ષણ નીતિને યથાવત રાખી હતી. તેમણે કહ્યું હતું કે રાજનીતિક આરક્ષણની સાથે જ શિક્ષણ અને રોજગારીમાં પણ અનામત જરૂરી મુદ્દો હતો, પરંતુ હવે SC-ST વર્ગના લોકોને ક્રીમીલેયરના બહાને અનામતમાંથી બહાર કાઢવાએ તે લોકો પર કરવામાં આવેલો એક પ્રહાર સમાન છે.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે એક તરફ દેશમાં લાખો સરકારી નોકરીઓ છે જેમાં ભરતી કરવામાં નથી આવી રહી. બીજી બાજુ તમે ક્રીમીલેયર દ્વારા દલિત સમાજને કચડી રહ્યા છો. હું તેનો વિરોધ કરું છું. તેમણે કહ્યું હતું કે SC-STના મુદ્દે દલિતો અને પછાતોના હિત વિશે નથી વિચારવામાં આવ્યું.
તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી દેશમાં અસ્પૃશ્યતા છે ત્યાં સુધી દેશમાં અનામત રહેવું જોઈએ અને રહેશે. અમે તેના માટે લડત આપીશું. તેમણે અપીલ કરતાં કહ્યું હતું કે સૌ સાથે મળીને આ ક્રીમીલેયરના ચુકાદાને માન્યતા ન આપો. તેમણે કહ્યું કે અમે દલિતો-વંચિતોના હકોના રક્ષણ માટે જે પણ કરી શકીએ છીએ તે કરીશું. ઉલ્લેખનીય છે કે આ મુદ્દા પર રાહુલ ગાંધીએ ઘણા બુદ્ધિજીવીઓની સાથે મુલાકાત કરીને આ બાબતે ચર્ચા કરી છે. તેમણે કહ્યું કે અમે આ મુદ્દે એક સમિતિની રચના કરીશું અને NGOને મળીને તેમનો મત જાણીશું અને સૌને સાથે મળીને આગળ વધશું.