President Droupadi Murmu આવતીકાલે સંસદના બંને ગૃહને સંબોધિત કરશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (President Droupadi Murmu) આવતીકાલે લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ નવી એનડીએ સરકારની પ્રાથમિકતાઓનો ખુલાસો કરે તેવી સંભાવના છે. 18મી લોકસભાની રચના બાદ સંસદની સંયુક્ત બેઠકમાં દ્રૌપદી મુર્મૂનું પ્રથમવાર સંબોધન હશે. 18મી લોકસભાનું પ્રથમ સત્ર સોમવારથી શરૂ થયું હતું અને રાજ્યસભાનું 264મું સત્ર 27 જૂનથી શરૂ થશે.
વડા પ્રધાન મોદી અને લોકસભા અને રાજ્યસભાના પ્રમુખ અધિકારીઓ સંસદ ભવનનાં ગેટ પર રાષ્ટ્રપતિનું સ્વાગત કરશે જ્યાંથી તેઓને પરંપરાગત રાજદંડ ‘સેંગોલ’ સાથે લોકસભામાં લઈ જવામાં આવશે. બંધારણના અનુચ્છેદ 87 મુજબ, રાષ્ટ્રપતિએ દરેક લોકસભા ચૂંટણી પછી સત્રની શરૂઆતમાં સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરવું જરૂરી છે. રાષ્ટ્રપતિ દર વર્ષે સંસદના પ્રથમ સત્રમાં બંને ગૃહોની સંયુક્ત બેઠકને પણ સંબોધિત કરે છે.
આ પણ વાંચો : સતત દસ વર્ષ ખાલી રહ્યા બાદ સંસદને મળ્યા વિપક્ષના નેતા! કોંગ્રેસ માટે આ પણ એક જીત
રાષ્ટ્રપતિના સંબોધનમાં સરકાર તેના કાર્યક્રમો અને નીતિઓની રૂપરેખા આપે છે. તે પાછલા વર્ષે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓને પણ પ્રકાશિત કરે છે અને આગામી વર્ષ માટેની પ્રાથમિકતાઓ દર્શાવે છે. રાષ્ટ્રપતિના સંબોધન પછી શાસક પક્ષ સંસદના બંને ગૃહોમાં આભાર પ્રસ્તાવ રજૂ કરશે જેના પર સભ્યો દ્વારા ચર્ચા કરવામાં આવશે. વડાપ્રધાન મોદી 2-3 જૂલાઈના રોજ આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપે તેવી શક્યતા છે.
રાષ્ટ્રપતિ મુર્મૂ છેલ્લા 10 વર્ષોમાં મોદી સરકારની નીતિઓની ઝાંખી આપે તેવી અપેક્ષા છે, જેમાં અર્થતંત્ર, સંરક્ષણ, આરોગ્યસંભાળ, શિક્ષણ અને સામાજિક કલ્યાણ જેવા વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિઓને આવરી લેવામાં આવશે.