
નવી દિલ્હી: રાજ્યસભાનો કાર્યકાળ છ વર્ષનો હોય છે. દર બે વર્ષે ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે. ભારતના રાષ્ટ્રપતિ પાસે રાજ્યસભાના 12 સભ્યોનું નામાંકન કરવાની સત્તા રહેલી છે. 2024માં આ 12 સભ્યો પૈકી 4 સભ્યો નિવૃત્ત થઈ ગયા છે. જેથી આજે રાષ્ટ્રપતિએ વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા નવા 4 સભ્યોના નામની જાહેરાત કરી છે.

રાષ્ટ્રપતિએ નામાંકિત કરેલ 4 સભ્યો કોણ છે?
ભારતના બંધારણના અનુચ્છેદ 80(3) હેઠળ, રાષ્ટ્રપતિને કલા, સાહિત્ય, વિજ્ઞાન, સામાજિક સેવા જેવા ક્ષેત્રોમાં વિશેષ ફાળો આપી હોય તેવા 12 સભ્યોનું રાજ્યસભામાં નામાંકન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. પોતાના આ અધિકાર હેઠળ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ નવા 4 સભ્યોનું નામાંકન કર્યું છે.
જેમાં વરિષ્ઠ સમાજસેવક અને શિક્ષણવિદ્ સી. સદાનંદન માસ્ટર, પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા, ઇતિહાસકાર અને શિક્ષણવિદ્ મીનાક્ષી જૈન તથા ભૂતપૂર્વ સરકારી વકીલ ઉજ્જલ નિકમનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત આ 4 સભ્યો કોઈપણ પ્રકારની ચૂંટણી વગર સીધા રાજ્યસભામાં પહોંચશે.
આ 4 સભ્યો પૈકીના ભૂતપૂર્વ સરકારી વકીલ ઉજ્જવલ નિકમે 26/11ના મુંબઈ અટેક સહિતના ઘણા હાઈ-પ્રોફાઈલ કેસમાં પબ્લિક પ્રોસિક્યુટર તરીકે કામ કર્યું છે. આ અગાઉ તેઓ 2024ની લોકસભાની ચૂંટણીમાં મુંબઈ નોર્થ સેન્ટ્રલ મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર પણ બન્યા હતા. પરંતુ તેઓની હાર થઈ હતી.
આપણ વાંચો: કોણ છે નીતિન ગડકરીના આદર્શ? ભાજપના વિકાસ પુરુષ વિશે નીતિન ગડકરીએ પોડકાસ્ટમાં કર્યો ખુલાસો
12 સભ્યોના નામાંકનનો ઉદ્દેશ્ય
રાજ્યસભા અને લોકસભા, સંસદના આ બંને ગૃહો કાયદા બનાવવાનું કામ કરે છે. કાયદા બનાવવાની આ પ્રક્રિયામાં દરેક ક્ષેત્રના જાણકાર લોકો સંસદમાં હાજર હોય અને તેમનો અનુભવ અને અભિપ્રાય લઈ શકાય એવા હેતુથી રાષ્ટ્રપતિને 12 સભ્યોનું નામાંકન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત સોનલ માનસિંહ, રામ શકલ, રાકેશ સિન્હા અને મહેશ જેઠમલાણી રાજ્યસભામાંથી નિવૃત્ત થયા હતા. લોકસભાની ચૂંટણીની જેમ રાજ્યસભાની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થતી નથી. તેમાં જનતા ભાગ લેતી નથી. પરંતુ જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભાગ લે છે. હાલ રાજ્યસભામાં કુલ 243 સભ્યો છે. જે પૈકી 233 ચૂંટાયેલા અને 12 રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત સભ્યો છે.