
દેશના ન્યાયતંત્રમાં આજે એક મહત્વપૂર્ણ દિવસ છે, જ્યાં જસ્ટિસ સૂર્યકાંતે ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ ગ્રહણ કરશે છે. તેઓ જસ્ટિસ બી. આર. ગવઈનું સ્થાન લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં જસ્ટિસ સૂર્યકાંતને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. જસ્ટિસ સૂર્યકાંતનો CJI તરીકેનો કાર્યકાળ 9 ફેબ્રુઆરી, 2027 સુધીનો રહેશે.
તેઓ બે દાયકાથી વધુ સમયનો ન્યાયાઘિશ તરીકેનો અનુભવ ધરાવે છે, જેમાં હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધીના મહત્વના નિર્ણયોનો સમાવેશ થાય છે. તેમના ચુકાદાઓમાં કલમ-370, અભિવ્યક્તિની સ્વતંત્રતા, લોકશાહીના સિદ્ધાંતો, ભ્રષ્ટાચાર, પર્યાવરણ અને લૈંગિક સમાનતા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પરના ઐતિહાસિક નિર્ણયો સામેલ છે.
જસ્ટિસ સૂર્યકાંતના શપથ ગ્રહણ સમારોહમાં દેશ-વિદેશના અગ્રણી ન્યાયવિદોની ઉપસ્થિતિ રહી, જે આ પ્રસંગનું મહત્વ દર્શાવે છે. આ ઐતિહાસિક સમારોહમાં ભૂટાન, બ્રાઝિલ, કેન્યા, મલેશિયા, મોરિશિયસ અને શ્રીલંકાના મુખ્ય ન્યાયાધીશો અને ન્યાયમૂર્તિઓ ખાસ હાજર રહ્યા હતા. નેપાળના મુખ્ય ન્યાયાધીશ પ્રકાશ માન સિંહ રાઉત અને સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયમૂર્તિઓ પણ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે ન્યાયિક સહકાર અને સન્માનના પ્રતીકરૂપ આ હાજરી રહી હતી.
જસ્ટિસ સૂર્યકાંતનું જીવન પ્રેરણાસ્ત્રોત સમાન છે. તેમનો જન્મ 10 ફેબ્રુઆરી, 1962ના રોજ હરિયાણાના હિસાર જિલ્લાના એક ગામ, પેટવારમાં શિક્ષક પરિવારમાં થયો હતો. તેમનું બાળપણ શહેરી સુવિધાઓથી ઘણું દૂર હતું; તેમણે ધોરણ 8 સુધીનો અભ્યાસ ગામની એવી શાળામાં કર્યો જ્યાં બેન્ચ પણ નહોતી. તેમણે 1981માં હિસારની સરકારી પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજમાંથી સ્નાતક થયા અને 1984માં રોહતકની મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાંથી કાયદાનું શિક્ષણ પૂર્ણ કર્યું.
તે જ વર્ષે તેમણે હિસારની જિલ્લા અદાલતમાંથી વકીલાત શરૂ કરી, પરંતુ 1985માં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરવા માટે ચંડીગઢ સ્થળાંતર કર્યું. જુલાઈ 2000માં તેઓ હરિયાણાના સૌથી યુવા એડવોકેટ જનરલ બન્યા અને 2004માં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના કાયમી ન્યાયાધીશ બન્યા. 2018માં હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા બાદ, તેઓ 2019માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા હતા.
જસ્ટિસ સૂર્યકાંત એક ગંભીર, સમજદાર અને સંતુલિત વિચારો ધરાવતા ન્યાયવિદ તરીકે જાણીતા છે. તેમની લાંબી કારકિર્દી દરમિયાન તેમણે જાહેર સંસાધનોની સુરક્ષા, જમીન સંપાદન, પીડિતોના અધિકારો, અનામત નીતિઓ અને બંધારણીય સંતુલન જેવા મુદ્દાઓ પર હંમેશા સંવેદનશીલતા દર્શાવી છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં તેમણે જેલમાં બંધ કેદીઓને વૈવાહિક મુલાકાત અથવા કૃત્રિમ ગર્ભાધાન દ્વારા સંતાન પેદા કરવાના અધિકાર જેવા માનવીય નિર્ણયો આપ્યા હતા.
સુપ્રીમ કોર્ટમાં તેમણે લગભગ 80 ચુકાદાઓ લખ્યા છે, જેમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) ના લઘુમતી દરજ્જા પર પુનર્વિચાર કરવા સંબંધિત નિર્ણય, દિલ્હીની આબકારી નીતિ કેસમાં મુખ્યમંત્રીને જામીન અને ‘પેગાસસ સ્પાયવેર’ મામલે તપાસ માટે સાયબર નિષ્ણાતોની પેનલની રચના કરવાનો મહત્વનો નિર્ણય પણ સામેલ છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્ય રાષ્ટ્રીય સુરક્ષાની આડમાં મનમાની કરી શકતું નથી.



