પ્રયાગરાજ માઘ મેળો: મકરસંક્રાંતિ પર 72 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું

પ્રયાગરાજઃ પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ મેળા દરમિયાન ગુરુવારે મકસંક્રાંતિ નિમિત્તે ૭૨ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગા અને સંગમમાં પવિત્ર સ્નાન કરી ધન્યતા અનુભવી હતી. આ જાણકારી અધિકારીઓએ આપી હતી.
માઘ મેળા વહીવટીતંત્રના એક અધિકારીએ જણાવ્યું કે મકરસંક્રાંતિનું શુભ મુહૂર્ત દિવસભર ચાલુ રહ્યું હોવાથી સાંજ સુધીમાં યાત્રાળુઓની સંખ્યા એક કરોડને પાર પહોંચવાની ધારણા છે. સ્નાન દરમિયાન યાત્રાળુઓને અપીલ કરવામાં આવી હતી કે તેઓ સ્નાન વિધિ પૂર્ણ કરે અને ઘાટ પર બિનજરૂરી સમય બગાડ્યા વિના આગળ વધે. તેમજ તેલ અને સાબુનો ઉપયોગ ટાળવાની પણ સૂચના આપવામાં આવી હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટ મનીષ કુમાર વર્માએ જણાવ્યું કે ભક્તોએ વહેલી સવારે સ્નાન કરવાનું શરૂ કર્યું હતું. આ પ્રક્રિયા સુચારુ રીતે સંગમ તેમજ સેક્ટર-વાર ઘાટ પર દિવસભર ચાલુ રહી હતી. તેમણે કહ્યું કે સાર્વજનિક જાહેરાતો અને પોલીસ કર્મચારીઓ દ્વારા નિયમિતપણે યાત્રાળુઓને વ્યવસ્થિત રીતે સ્નાન કરવાની અને તેમના ગંતવ્ય સ્થાન તરફ આગળ વધવા માટે સૂચના આપવામાં આવી રહી છે. જેથી કરીને આવનાર શ્રદ્ધાળુઓને કોઇ અસુવિધા ન થાય.
આ પણ વાચો : પ્રયાગરાજના માઘ મેળામાં આ કામ કરીને એક જ દિવસમાં કરી 20,000 રૂપિયાની કમાણી, વીડિયો વાઈરલ…
વર્માએ કહ્યું કે અમે શ્રદ્ધાળુઓને ઘાટ પર તેલ અને સાબુનો ઉપયોગ ન કરવાની પણ અપીલ કરી છે. જેથી આવનારા યાત્રાળુઓને કોઇ મુશ્કેલી કે અસુવિધાનો સામનો કરવો ન પડે.
માઘ મેળાના વહીવટી અધિકારીએ જણાવ્યું કે સ્નાન મધરાતે શરૂ થયું હતું અને બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૭૨ લાખથી વધુ લોકોએ સ્નાન વિધિ પૂર્ણ કરી હતી. પોલીસ અધિક્ષક(માઘ મેળા) નીરજ પાંડેએ જણાવ્યું કે સમગ્ર મેળા વિસ્તારમાં ૧૦,૦૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે.



