નેશનલ

‘જંગલ રાજના ડરથી મતદારોનો મૂડ બદલાઈ ગયો છે…’ બિહાર ચૂંટણી પર પીકેએ તોડ્યું મૌન

બિહાર વિધાનસભા ચૂંટણીમાં પોતાની જન સુરાજ પાર્ટીની કારમી હાર બાદ તેના સ્થાપક અને જાણીતા ચૂંટણી રણનીતિકારમાંથી નેતા બનેલા પ્રશાંત કિશોર (પીકે)એ પહેલીવાર ખુલીને મોટું નિવેદન આપ્યું છે. એક મીડિયા ટીવી સાથેની વાતચીતમાં તેમણે સ્વીકાર્યું કે આ ચૂંટણીમાં ‘કંઈક ખોટું થયું’ છે. પીકેએ દાવો કર્યો છે કે તેમના પ્રચારને જે પ્રતિસાદ મળ્યો હતો, તે મતાધિકારના વલણો સાથે મેળ ખાતો નથી. તેમણે હાર પાછળ બિન-પારદર્શી પૈસાની વહેંચણી અને લાલુ યાદવના ‘જંગલરાજ’નો ડર જેવા મુખ્ય પરિબળો ગણાવ્યા છે. જોકે, તેમણે સ્વીકાર્યું કે તેમની પાસે હાલમાં આના કોઈ નક્કર પુરાવા નથી.

જન સુરાજ પાર્ટીને આ ચૂંટણીમાં એક પણ બેઠક મળી નથી, જેના પગલે પીકેએ હારના કારણોની ગંભીર સમીક્ષા કરી. પ્રશાંત કિશોરે સૌથી મોટો આરોપ એ મૂક્યો કે ચૂંટણી ઇતિહાસમાં પહેલીવાર મતદાનના ઠીક પહેલાં 50 હજાર મહિલાઓને (જીવિકા દીદી યોજના અંતર્ગત) રોકડ રકમ મોકલવામાં આવી. તેમણે દાવો કર્યો કે એનડીએ દ્વારા મહિલાઓને ₹10,000 રોકડા આપવામાં આવ્યા હતા અને તેમને કહેવામાં આવ્યું હતું કે આ ₹2 લાખના કુલ પેકેજનો પ્રથમ હપ્તો છે અને જો તેઓ નીતિશ કુમાર અને એનડીએને મત આપશે તો જ બાકીની રકમ મળશે. પીકેના મતે, આ પૈસાની વહેંચણીની પ્રક્રિયાએ નિર્ણાયક રીતે મતદાનને પ્રભાવિત કર્યું છે.

પીકેએ હાર માટે ‘લાલુ ફેક્ટર’ને પણ જવાબદાર ગણાવ્યું. તેમનો બીજો મુખ્ય મુદ્દો એ હતો કે મતદારોમાં ‘જંગલરાજ’ પાછું આવી જવાનો ડર ફેલાયો હતો. તેમણે કહ્યું કે શરૂઆતમાં લોકોને લાગતું હતું કે જન સુરાજને 10 થી 20 ટકા મત મળી શકે છે, પરંતુ અંતે આવતાં-આવતાં લોકોને લાગ્યું કે જો તેઓ જીતશે નહીં અને જન સુરાજને મત આપીને તેઓ હારશે, તો લાલુનું જંગલરાજ પાછું આવી શકે છે. આ ડરને કારણે ઘણા લોકો તેમનાથી દૂર થયા. આ ઉપરાંત, પીકેએ જણાવ્યું કે આ ચૂંટણીમાં કેટલીક અદૃશ્ય શક્તિઓ પણ કામ કરી રહી હતી, જેના કારણે જે પક્ષો વિશે લોકો જાણતા પણ નહોતા, તેમને લાખોની સંખ્યામાં મત મળ્યા. તેમણે ઈવીએમની ફરિયાદ કરવાના લોકોના આગ્રહ પર કહ્યું કે પુરાવા વિના તેઓ કંઈ કહી શકે તેમ નથી, પરંતુ ઘણી બાબતો સમજની બહાર છે.

ચૂંટણીમાં કારમી હાર પછી ટીકાકારો દ્વારા તેમની રાજકીય કારકિર્દી પર સવાલ ઉઠાવવા બદલ પીકેએ આકરો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે જે લોકો પહેલા તેમની જીત પર તાળીઓ પાડતા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે, “આ લોકો પોતાનું કામ કરી રહ્યા છે અને હું મારું. સચ્ચાઈ એ છે કે જે લોકો મારી ટીકા કરે છે, તે જ લોકો મારા વિશે સૌથી વધુ જિજ્ઞાસુ છે.” આનો અર્થ એ છે કે તેમનો રાજકીય પ્રવાસ હજી સમાપ્ત થયો નથી અને વાર્તા હજી બાકી છે.

જન સુરાજ પાર્ટીએ બિહાર વિધાનસભાની 243 બેઠકોમાંથી 238 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ પરિણામ શૂન્ય રહ્યું અને પાર્ટીને માત્ર 3.4% વોટ શેર મળ્યો. મોટાભાગના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ. પીકેએ આ પરિણામને ‘ક્રશિંગ ડિફીટ’ ગણાવ્યો, પરંતુ તેમણે ઉમેર્યું કે મારા પ્રચારને સારો પ્રતિસાદ મળ્યો હતો અને આ કારમી હારના કારણોની તેઓ ગંભીર સમીક્ષા કરી રહ્યા છે.

ચૂંટણી પંચનું SIR અભિયાન ‘પરિવાર મિલન યોજના’ બની ગયું, 37 વર્ષે ભાઈ મળી આવ્યો! વાંચો અનોખી કહાણી!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button