મોસ્ટ વોન્ટેડ આરોપી પ્રસાદ પૂજારીને 20 વર્ષ બાદ ચીનથી ભારત લાવવા ક્રાઇમ બ્રાન્ચ વિભાગને મળી મોટી સફળતા

મુંબઈ: 2008થી ચીનમાં રહેનાર મુંબઈનો નામચીન ગેન્ગસ્ટર પ્રસાદ પૂજારીને ચીનથી ભારત પાછો લાવવામાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. મુંબઈના મોસ્ટ વોન્ટેડ અપરાધીની ચીનમાંથી ધરપકડ કરી ભારત લાવવાની આવી પહલી જ ઘટના છે. મુંબઈમાં અનેક અપરાધોમાં સામેલ રહેલો ગેન્ગસ્ટર છેલ્લા 20 વર્ષથી ફરાર હતો, તેની સામે મૂંબઈમાં મર્ડર, ધમકી આપવી તેમ જ ગેરકાયદે વસૂલી કરવા જેવા અનેક ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા.
એક સમયના મોસ્ટ વોન્ટેડ પ્રસાદ પૂજારીએ અપરાધને જ પોતાનો વેપાર બનાવી લીધી હતો અને આ કામમાં તેનો પરિવાર પણ સામેલ હતો. જોકે ધરપકડ અને સજાના ભયથી તે દેશ છોડીને ચીનમાં જઈને વસી ગયો હતો અને ચીનમાંથી જ ભારત વિરોધી કાવતરાનું પ્લેનિંગ કરતો હતો. આ બાબતની જાણ ભારતના ઇન્ટરપોલને થતાં તેની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી હતી.

2019માં પ્રસાદ પૂજારીએ શિવસેનાના નેતા ચંદ્રકાન્ત જાધવ પર જીવલેણો હુમલો કર્યો હતો. જોકે તેમાં જાધવ બચી ગયા હતા અને તે બાદ 2020માં એક બિલ્ડર પાસેથી 10 લાખ રૂપિયાની ગેરવસૂલી કરવાના આરોપસર મુંબઈ પોલીસે પ્રસાદની માતા ઇન્દિરા સાથે સુનિલ આંગણે અને સુકેશ કુમારની ધરપકડ કરી હતી. ત્યારબાદ પ્રસાદ પર આઇપીસીની અનેક કલમો અને મહારાષ્ટ્ર ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કંટ્રોલ હેઠળ ગુનાઓ દાખલ કરી તેને ચીનમાંથી ભારત પરત લાવવાની કેન્દ્ર સરકારે પ્રક્રિયા શરૂ કરી હતી.
ગેન્ગસ્ટર પ્રસાદ પૂજારીની ધરપકડ મામલે એક અધિકારીએ કહ્યું હતું કે ગેન્ગસ્ટર પ્રસાદ પૂજારીએ ધરપકડથી બચવા માટે તે ચીનમાં જઈને છુપાઈ ગયો હતો. પ્રસાદ ચીનના શેનઝેન શહેરમાં હોવાની માહિતી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને મળતા તેના ધરપકડની કાર્યાવહી શરૂ કરવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રસાદ ટુરિસ્ટ વિઝા પર ચીનમાં ગયો હતો અને 2008માં તેનો વિઝા એક્સપાયર થતાં તેણે ચીન સરકાર પાસે અસ્થાયી નિવાસ માટેની અરજી કરી હતી અને તે પણ 2012માં સમાપ્ત થતાં તેણે એક ચીની મહિલા સાથે લગ્ન કરી ત્યાં જ રહેવા લાગ્યો હતો અને તેણે ચાર બાળકો પણ હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.