મોદી સરકારના મંત્રીનો ભત્રીજો એવો ભૂતપૂર્વ સાંસદ રેપ કેસમાં દોષિત, રેપનો વીડિયો પણ ઉતારેલો…

બેંગલુરુ: પૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર અને ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના બળાત્કાર અને જાતીય શોષણના કેસમાં દોષિત (Prajwal Revanna convicted in rape case) ઠર્યા હતાં. આજે બેંગલુરુની એક સ્પેશીયલ કોર્ટે પ્રજ્વલ રેવન્નાને દોષિત ઠેરવ્યા હતાં.
જો કે પ્રજવલ રેવન્નાની ચર્ચા વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ખુબ થઇ હતી. પ્રજવલ રેવન્નાના રાજકીય ઘરોબો રહ્યો છે. કર્ણાટકમાં પૂર્વ મુખ્ય પ્રધાન અને હાલ નરેન્દ્ર મોદી સરકારના કેન્દ્રીય પ્રધાનનો તે ભત્રીજો છે.
શું છે સમગ્ર મામલો?
પ્રજવલ રેવન્નાની વિરુદ્ધમાં પહેલી ફરિયાદ એપ્રિલ ૨૦૨૪માં એક મહિલાએ નોંધાવી હતી, જે તેમના પરિવારના ફાર્મહાઉસમાં ઘરકામ કરતી હતી. તેણે રેવન્ના પર ૨૦૨૧થી વારંવાર રેપ કરવાનો અને કોઈને પણ આ અંગે જાણ કરી છે તો તેના વિડિયો લીક કરી દેવાની ધમકી આપી હતી.

મહિલાઓ સાથેના સામે આવેલા વિડિયોથી ભાજપને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રેવન્ના જર્મનીથી ભારત પરત ફર્યા તે જ સમયે એરપોર્ટથી તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. પ્રજવલ રેવન્ના પાસેથી 2000 જેટલા અશ્લીલ વિડિયો સામે આવ્યા હતાં.
વળી રેવન્નાને આ સિવાયના અન્ય કેસોનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેમાં CID દ્વારા દાખલ કરવામાં આવેલા એક કેસમાં, તેમના પર હાસન જિલ્લા પંચાયતના ૪૪ વર્ષીય ભૂતપૂર્વ સભ્ય પર વારંવાર બળાત્કાર કરવાનો આરોપ છે. તે સિવાય અન્ય એક કેસમાં મૈસુરની ૬૦ વર્ષીય મહિલા પર કરવામાં આવેલા બળાત્કાર સાથે જોડાયેલો છે. તે સીવાય બેંગલુરુમાં પણ તેમની સામે જાતીય સતામણીનો આરોપ લગાવીને કેસ નોંધાયો હતો.
રેવન્ના કર્ણાટકના રાજકીય શક્તિશાળી પરિવારના સભ્ય
પ્રજ્વલ રેવન્નાની ચર્ચા તેના રાજકીય ઘરોબાનાં કારણે પણ થઇ રહી છે. કારણ કે તે કર્ણાટકના રાજકીય રીતે શક્તિશાળી મનાતા ગૌડા પરિવારના સભ્ય છે. તેઓ ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અને જેડી-એસના વડા એચ.ડી. દેવેગૌડાના પૌત્ર છે; કર્ણાટક રાજ્ય વિધાનસભાના ધારાસભ્ય એચ.ડી. રેવન્નાના પુત્ર છે; અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એચ.ડી. કુમારસ્વામીના ભત્રીજા છે, જેઓ માંડ્યા બેઠક પરથી ભાજપ-જેડીએસના સાંસદ હતાં અને હાલ ભારે ઉદ્યોગ અને સ્ટીલ વિભાગના કેન્દ્રીય પ્રધાન છે.
આ વિવાદમાં એચ.ડી. કુમારસ્વામીએ શું કહ્યું હતું?
જો કે લોકસભાની ચૂંટણી સમયે જયારે આ મુદ્દો ખુબ જ ગાજ્યો હતો ત્યારે ભાજપ અને જેડીએસના ગઠબંધન પર વિરોધી પાર્ટીઓએ માછલા ધોયા હતાં. તે સમયે એચ.ડી. કુમારસ્વામીએ આ વિવાદથી પોતાને અલગ કરી લીધા હતાં અને કહ્યું હતું કે પ્રજ્વલ રેવન્નાના કથિત આચરણથી તેમને કોઈ લેવાદેવા નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે આ વિવાદમાં પરિવારને દોષ ન આપવો જોઈએ કારણ કે પરિવાર અને રેવન્ના બન્ને અલગ અલગ છે.
આ પણ વાંચો…માતાને બાંધીને તેની સાથે બળાત્કાર કર્યો, મૈસુર યુવકે પ્રજ્વલ રેવન્ના સામે કેસ દાખલ કર્યો