હવે યુપીમાં ચાલી પોસ્ટરવોરઃ I Love Muhammad વિરુદ્ધ I Love Mahadev

લખનઉઃ દેશમાં ક્યા મામલે ક્યો વિવાદ શરૂ થઈ જાય તે ખબર નથી પડતી. કાનપુરમાં બે-ચાર પોસ્ટરથી થયેલો વિવાદ હવે વારાણસી સહિત સમગ્ર ઉત્તર પ્રદેશમાં ફેલાઈ ગયો છે. કાનપુરમાં એક જુલુસ દરમિયાન આઈ લવ મોહંમદના પોસ્ટર લાગ્યા હતા, તેના જવાબમાં હવે હિન્દુઓ આઈ લવ મહાદેવના પોસ્ટર લગાડી વિરોધ જતાવી રહ્યા છે. કાનપુરમાં અગાઉ આઈ લવ મોહંમદના પોસ્ટર દેખાયા હતા, જેના જવાબમાં વારાણસીના સંતોએ આઈ લવ મહાદેવના પોસ્ટર લગાવ્યા છે.
હવે આ વિવાદ ઉત્તર પ્રદેશના બીજા શહેરોમાં પણ વકરશે તેવી સંભાવના છે. એક શહેરમાંથી બીજા શહેરમાં આવા વિવાદો પહોંચતા વાર નથી લાગતી. હાલમાં આવા પોસ્ટરો વારાણસી અને કાનપુરમાં દેખાઈ રહ્યા છે.
વારાણસીના જગતગુરુ શંકરાચાર્ય નરેન્દ્રાનંદની આગેવાનીમાં સંતો આવા પોસ્ટર લગાડી રહ્યા છે. મઠ, મંદિરો અને અમુક જાહેર સ્થળોએ પણ આ પોસ્ટર જોવા મળ્યા છે.
24 લોકો પર થઈ છે એફઆઈઆર
આ સમગ્ર વિવાદ ઉત્તર પ્રદેશના કાનપુરમાં બારાવફાત તહેવારથી શરૂ થયો હતો. કાનપુરમાં એક અનધિકૃત સરઘસ દરમિયાન, લોકોએ રસ્તાની બાજુમાં તંબુ બાંધ્યો અને આઈ લવ મોહમ્મદ લખેલું પોસ્ટર લગાવ્યું. જ્યારે ટેન્ટ અને પોસ્ટરનો વિરોધ થયો ત્યારે પોલીસ ટેન્ટ હટાવવા ગઈ તો અમુક લોકોએ વિરોધ કરી પોલીસનો પણ પ્રતિકાર કર્યો હતો. બીજી બાજુ તેમના પોસ્ટરો પણ ફાડવામાં આવી રહ્યા છે. પરિસ્થિતિ અચાનક વણસી ગઈ, પોલીસે ભીડને વિખેરી નાખી અને FIR દાખલ કરી. કુલ 24 લોકો સામે એફઆઈઆર કરવામાં આવી છે, જેમાં 15 અજાણ્યા શખ્શનો પણ સમાવેશ થાય છે.