આજથી શરૂ થતા પોષ મહિનામાં આ કામ ખાસ કરજો, તન અને મનને થશે ફાયદો
અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આ વર્ષનો છેલ્લો એટલે કે ડિસેમ્બર મહિનો છે, પરંતુ હિન્દુ કેલેન્ડર પ્રમાણે કે ભારતીય સમયપત્રક અનુસાર આજથી વર્ષનો દસમો મહિનો એટલે કે પોષ મહિનો શરૂ થાય છે. દરેક મહિના, ઋતુ અને આપણી જીવનશૈલીને સીધો સંબંધ છે અને આથી પોષ મહિનાનું મહત્વ સમજી તે અનુસાર રહેવું શરીર અને મન બન્નને ફાયદો આપે છે. તો આવો જાણીએ શું છે આ મહિનાનું મહત્વ.
પોષ મહિનો આ દેવની પૂજા માટે ખાસ મહત્વનો
હિન્દુ કેલેન્ડરનો દસમો મહિનો પોષ 16 ડિસેમ્બર 2024 થી 13 જાન્યુઆરી 2025 સુધી ચાલશે. પુરાણો કહે છે કે પૌષમાં સૂર્યની ઉપાસના કરવાથી આયુષ્ય વધે છે. દર મહિને સૂર્યની અલગ-અલગ રૂપમાં પૂજા કરવાની પરંપરા છે, તેથી પોષ મહિનામાં ભગ નામના સૂર્યની પૂજા કરવામાં આવે છે. આ મહિનામાં સૂર્ય પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.
પોષ મહિનામાં ગંગા, યમુના, અલકનંદા, શિપ્રા, નર્મદા, સરસ્વતી, પ્રયાગરાજ જેવી નદીઓના સંગમમાં સ્નાન કરવાની પણ પરંપરા છે. આ મહિનો તીર્થ યાત્રા માટે પણ શ્રેષ્ઠ ગણાય છે. આ મહિનામાં કરવામા આવતા ઉપવાસ અને દાન વિશેષ ફળ આપે છે.
ભગવાન વિષ્ણુના આ સ્વરૂપની કરો પૂજા
પુણ્ય આપનાર આ પવિત્ર માસમાં ભગવાન વિષ્ણુની નારાયણ સ્વરૂપે પૂજા કરવી જોઈએ. તે જ સમયે, ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાની પણ પરંપરા છે. પોષ મહિનામાં સૂર્ય નારાયણના નામની પૂજા કરવાથી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. પોષ માસમાં દરરોજ સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને સૂર્યને અર્ઘ્ય ચઢાવવું જોઈએ. આ મહિનામાં પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરો. જો તમે સ્નાન કરતી વખતે તમામ તીર્થો અને પવિત્ર નદીઓનું ધ્યાન કરો છો, તો તમે ઘરે જ તીર્થ સ્નાન કરવાનું પુણ્ય મેળવી શકો છો, તેમ નિષ્ણાતો કહે છે.
કઈ રીતે કરશો સૂર્યની પૂજા
દરરોજ સવારે સ્નાન કર્યા પછી ઘરના આંગણામાં એવી જગ્યા પસંદ કરો જ્યાંથી સૂર્યદેવના સીધા દર્શન થાય. આ પછી તાંબાના વાસણમાં પાણી ભરીને પાણીમાં કંકુ, ચોખા અને ફૂલ નાખો. આ પછી સૂર્યને જળ અર્પિત કરો. ધ્યાન રાખો કે તમારુ અર્ધ્ય કોઈને નુકસાન ન પહોંચાડે.
આ સાથે ઓમ સૂર્યાય નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ વગેરેનો જાપ કરો. ભગવાન વિષ્ણુને પણ યાદ કરો સૂર્યને જળ અર્પણ કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન દાન કરો. તમે ઈચ્છો તો અનાજ અને પૈસા પણ દાન કરી શકો છો. કોઈપણ ગાયના આશ્રયમાં પણ દાન કરો.
Also Read – આજનું રાશિફળ (16-12-24): આ પાંચ રાશિઓને થશે લાભ જ લાભ
હેપ્પી હૉર્મોન્સ વધશે , તન- મનને થશે લાભ
અત્યારે શિયાળાનો સમય છે. આ દિવસો દરમિયાન, દરરોજ સવારે વહેલા જાગવું અને વહેલી સવારે સૂર્યપ્રકાશમાં રહેવાથી સ્વાસ્થ્ય લાભ મળે છે. શિયાળાના દિવસોમાં વહેલી સવારનો સૂર્યપ્રકાશ ત્વચાની ચમક વધારે છે. વિટામિન ડી સૂર્યપ્રકાશમાંથી મળે છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. શરદીથી થતા રોગોથી બચાવે છે. આ સાથે સૂર્યપ્રકાશમાં ઊભા રહેવાથી સિરોટોનિન નામના હૉર્મોન્સ શરીરને મળે છે, જે હેપ્પી હૉર્મોન્સના નામે ઓળખાય છે. તમારા મૂડને સારો રાખવા, સારી ઊંઘ અને મનની શાંતિ માટે આ હૉર્મોન ખૂબ જરૂરી છે.
સનાતન ધર્મ કે હિન્દુ ધર્મ એક વિજ્ઞાન છે. અગાઉ જણાવ્યું તેમ દરેક મહિના અનુસાર બદલાતી ભૌગોલિક સ્થિતિને અનુરૂપ જીવનશૈલી રાખવાની રીત ધર્મમાં આપેલી છે, જો તેને અનુસરવામાં આવે તો મન અને તન બન્ને પ્રફુલ્લિત રહે છે.