પૂનમ પાંડેના મંદોદરી રોલ મામલે લવ કુશ કમિટીમાં પડી ફૂટ! ભાજપ નેતાએ પત્ર લખી કર્યો વિરોધ…

નવી દિલ્હી: દર વર્ષે લાલ કિલ્લા મેદાનમાં લવ કુશ રામલીલાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે લવ કુશ રામલીલાના આયોજન પર વિવાદોના વાદળો ઘેરાયા છે. આ વિવાદનું મુખ્ય કારણ છે અભિનેત્રી પૂનમ પાંડે. આ વર્ષે રામલીલામાં પૂનમ પાંડેને મંદોદરીની ભૂમિકા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ રામલીલા આયોજનને સમાજના લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. આ ઘટનાએ રામલીલાની પવિત્રતા અને પરંપરા પર સવાલો ઉભા કર્યા છે.
પૂનમ પાંડેની ભૂમિકા પર આક્ષેપ
દિલ્હીની લવ કુશ રામલીલા કમિટીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે કમિટીને પત્ર લખીને પૂનમ પાંડેને મંદોદરીની ભૂમિકામાંથી હટાવવાની માગ કરી છે. તેણે આ પત્રમાં જણાવ્યું કે, પૂનમ પાંડેને લઈ સોશિયલ મીડિયા પર અવાર નવાર વિવાદો સર્જાય છે.

જેના કારણે તેને આ પવિત્ર રોલ આપવો ખેદજનક છે. તેણે આરોપ લગ્વાયો કે કમિટીના કેટલાક અધિકારીઓ આ વિવાદાસ્પદ નિર્ણય દ્વારા રામલીલાને ચર્ચામાં લાવવા માંગે છે, જેનો મોટાભાગના સભ્યો વિરોધ કરી રહ્યા છે.
વિશ્વ હિંદુ પરિષદની દિલ્હી શાખા સહિત અનેક ધાર્મિક સંગઠનોએ પૂનમ પાંડેને આ ભૂમિકા આપવા સામે સખત વાંધો ઉઠાવ્યો છે. કપૂરે અગાઉ પણ જણાવ્યું હતું કે પૂનમ પાંડેએ ફિલ્મોમાં ક્યારેય સકારાત્મક ભૂમિકા નથી ભજવી અને તેઓ હંમેશા સોશિયલ મીડિયા પર અશ્લીલતા અને વિવાદાસ્પદ વર્તન માટે જાણીતી રહી છે. આ નિર્ણયથી રામલીલાની પવિત્રતા પર આંચ આવી શકે છે, એવું ઘણા લોકોનું માનવું છે.
લવ કુશ રામલીલા મંડળ દિલ્હીની સૌથી મોટી અને ભવ્ય રામલીલાઓમાંની એક છે, જે દર વર્ષે લાખો લોકોને આકર્ષે છે. આ વિવાદે કમિટી પર પોતાના નિર્ણયની સમીક્ષા કરવા માટે દબાણ વધાર્યું છે. પ્રવીણ શંકર કપૂરે આશા વ્યક્ત કરી છે કે કમિટી આ મુદ્દે પુનર્વિચાર કરશે અને પૂનમ પાંડેને આ ભૂમિકામાંથી દૂર કરશે, જેથી રામલીલાની પરંપરા અને ગરિમા જળવાઈ રહે.
રામલીલા સમિતિએ શું કહ્યું?
જોકે ગઈકાલે એક મીડિયા સાથેની વાતચીતમાં, રામલીલા સમિતિના અધ્યક્ષ અર્જુન કુમારે આ મામલે પર ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું કે દેશમાં ઘણા કુખ્યાત ડાકુઓ રહ્યા છે જે પહેલા ઉજ્જડ જંગલોમાં રહેતા હતા અને લૂંટ ચલાવતા હતા. જે બાદ, તેઓ ચૂંટણી લડ્યા અને દેશની સંસદમાં સુધી પહોંચ્યા.
ભૂતપૂર્વ ફિલ્મ સ્ટાર્સ પણ છે જે હવે મહામંડલેશ્વર બની ગયા છે. પરિવર્તન અનિવાર્ય છે, અને પરિવર્તન સમય સાથે આવે છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એક એવા તબક્કામાં આવે છે જ્યાં પરિવર્તન આવે છે. જો આપણે સમાજને સુધારવા માંગતા હોઈએ, તો આપણે આપણો દ્રષ્ટિકોણ પણ સુધારવો જોઈએ. આ વાતચીત દરમિયાન તેણે સ્પષ્ટ કહ્યું હતું કે પૂનમ પાંડ આ મંદદરીનું પાત્ર ભજવશે.
આ પણ વાંચો…આ તો Moye Moye થઈ ગયું… પૂનમ પાંડેના વીડિયો બાદ સોશિયલ મીડિયા પર આવ્યું મીમ્સનું ઘોડાપૂર..