નેશનલ

પૂજા ખેડકરને ચાલાકી મોંઘી પડીઃ આઈએએસની નોકરી ગઈ, હવે હાઈ કોર્ટે મોકલી નોટિસ…

નવી દિલ્હીઃ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની અરજી પર દિલ્હી હાઈકોર્ટે સસ્પેન્ડેડ ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને નોટિસ મોકલી છે. યુપીએસસી એ અરજી દાખલ કરી દાવો કર્યો છે કે પૂજા ખેડકરે તેની અરજીમાં ખોટો દાવો કર્યો હતો કે તેને ઉમેદવારી રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો નહોતો. યુપીએસસીએ અરજીમાં જણાવ્યું હતું કે તેની ઉમેદવારી રદ કરવા અંગે તેના રજિસ્ટર્ડ મેઈલ આઈડી પર જાણ કરવામાં આવી હતી. પૂજાએ દિલ્હી હાઈ કોર્ટ સમક્ષ ખોટી દલીલ કરી હતી.

આ પણ વાંચો : વિવાદાસ્પદ IAS Pooja Khedkarની વોટ્સએપ ચેટ થઈ વાઈરલ, જાણો નવો વિવાદ

કેન્દ્ર સરકારે ૭ સપ્ટેમ્બરે એક આદેશ જારી કરીને પૂજા ખેડકરને આઈએએસ સેવાઓમાંથી મુક્ત કરી હતી. કેન્દ્ર સરકારના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે આઈએએસ (પ્રોબેશનરી) નિયમ, ૧૯૫૪ ના નિયમ ૧૨ હેઠળ, આઈએએસ પ્રોબેશનર (એમએચ:૨૦૨૩) પૂજા મનોરમા દિલીપ ખેડકરને તાત્કાલિક અસરથી ભારતીય વહીવટી સેવા માંથી મુક્ત કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે પોતાના આદેશમાં કહ્યું હતું કે પૂજા ખેડકરે ઓબીસી કેટેગરી હેઠળ અરજી કરી હતી. ઓબીસી કેટેગરીના ઉમેદવારને મહત્તમ નવ વખત આઈએએસ પરીક્ષા આપવાનો અધિકાર છે. પૂજાએ ૨૦૧૨ થી ૨૦૨૦ વચ્ચે નવ વખત પરીક્ષા આપી હતી અને તે પછી તેને પરીક્ષા આપવાનો અધિકાર નહોતો. છતાં, તેણે ૨૦૨૩માં પરીક્ષા આપી અને તે પાસ કરવામાં સફળ રહી. જોકે, નિયમો અનુસાર તે ૨૦૨૩માં પરીક્ષા આપવા માટે લાયક નહોતી.

આ પણ વાંચો : IAS Pooja Khedkar: ૧૫,૦૦૦ ઉમેદવારોની ચકાસણીમાં ફક્ત પૂજા ખેડકર દોષી..

સંક્ષિપ્ત તપાસ કરવામાં આવ્યા પછી એવું જાણવા મળ્યું કે પૂજા મનોરમા દિલીપ ખેડકર,આઈએએસ પ્રોબેશનરી (એમએચ:૨૦૨૩), સીએસઈ -૨૦૨૨ માં ઉમેદવાર બનવા માટે અયોગ્ય હતી, જે તેની આઈએએસ માટે પસંદગી અને નિમણૂકનું વર્ષ હતું. તેથી, તે ભારતીય વહીવટી સેવામાં ભરતી માટે અયોગ્ય છે. તેથી પૂજા મનોરમા દિલીપ ખેડકરને તાત્કાલિક અસરથી સેવામાંથી મુક્ત કરવામાં આવે છે. દિલ્હી હાઈ કોર્ટ આ મામલે આગામી સુનાવણી ૨૬ નવેમ્બરે કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button