નેશનલ

લોકસભા બેઠકના સીમાંકન મુદ્દે રાજકારણ ગરમાયું, સ્ટાલિને કહ્યું અમારી ઓળખ પર ખતરો ઉભો થશે…

નવી દિલ્હી : દેશમાં લોકસભા(Loksabha) બેઠકના પ્રસ્તાવિત સીમાંકન મુદ્દે રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન સતત વિરોધ કરી રહ્યા છે. જેના પગલે શનિવારે ચેન્નાઈમાં ડીએમકે રાજ્યોની પ્રથમ સંયુક્ત કાર્ય સમિતિની બેઠક બોલાવી હતી.

આ બેઠકમાં મુખ્યમંત્રી એમકે સ્ટાલિને સ્પષ્ટતા કરી હતી કે આ લડાઈને કાયદાકીય માળખામાં પણ લાવી શકાય છે. સીએમ સ્ટાલિને રાજકીય અને કાનૂની કાર્ય યોજના તૈયાર કરવા માટે નિષ્ણાત પેનલની રચનાને ટેકો આપ્યો. જ્યારે બીજી તરફ ભાજપે સીમાંકન બેઠક બદલ સ્ટાલિન સરકારનો વિરોધ કર્યો છે.

આપણ વાંચો: માત્ર કચ્છના બંદરો પરથી વીતેલા પાંચ વર્ષોમાં આટલું ડ્રગ્સ પકડાયુંઃ લોકસભામાં જાહેર થયા આંકડા

જાગૃતિ લાવવી અને કેન્દ્રને વિનંતી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ

સ્ટાલિને કહ્યું અમે સીમાંકનની વિરુદ્ધ નથી. અમે યોગ્ય સીમાંકનના પક્ષમાં છીએ. તેમણે વધુમાં કહ્યું કે અધિકારો સ્થાપિત કરવા માટે સતત કાર્યવાહી જરૂરી છે.તેમણે આ અંગે વધુમાં જણાવ્યું કે, જો આ લાગુ કરવામાં આવશે તો તમિલનાડુ આઠ બેઠકો ગુમાવશે. આ અગાઉ ઘણા રાજ્યો આ મુદ્દા પર એકત્ર થયા છે. હું આ બેઠકને ‘ફેર ડિલિમિટેશન જોઈન્ટ એક્શન કમિટી’ નામ આપવાનો પ્રસ્તાવ મૂકું છું. સંયુક્ત કાર્યવાહી સમિતિ અંગે તેમણે કહ્યું કે, લોકોમાં જાગૃતિ લાવવી અને કેન્દ્રને વિનંતી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

વસ્તીના આધારે કોઈ સીમાંકન ન હોવું જોઈએ

ચેન્નાઈમાં સીમાંકન બેઠક અંગે નવીન પટનાયકે કહ્યું કે, લોકશાહીના રક્ષણ માટે આ એક મહત્વપૂર્ણ બેઠક છે. જો દક્ષિણના રાજ્યોએ વસ્તી નિયંત્રણમાં ન રાખી હોત, તો રાષ્ટ્ર ગંભીર સંકટનો સામનો કરી શક્યું હોત. વસ્તી ગણતરીના આધારે સીમાંકન લાગુ ન કરવું જોઈએ. આ બેઠકનું આયોજન કરવા બદલ હું સીએમ સ્ટાલિનનો આભાર માનું છું.

આપણ વાંચો: લોકસભામાં વડા પ્રધાન મોદીએ મહાકુંભની તુલના 1857ની ક્રાંતિ સાથે કરીને કરી મોટી વાત…

આ સંકુચિત રાજકીય હિતોથી પ્રેરિત : પી. વિજયન

આ બેઠકમાં કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે, લોકસભા બેઠકોનું સીમાંકન ડેમોક્લસની તલવારની જેમ લટકી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ સરકાર આ મુદ્દા પર કોઈપણ સલાહ-સૂચન વિના આગળ વધી રહી છે. પી વિજયને કહ્યું કે, આ પગલું અચાનક લેવામાં આવ્યું છે જે સંકુચિત રાજકીય હિતોથી પ્રેરિત છે.

જો વસ્તી ગણતરીના આધારે સીમાંકન કરવામાં આવે તો ઉત્તરીય રાજ્યો માટે બેઠકોમાં વધારો થશે. જ્યારે દક્ષિણ રાજ્યો માટે બેઠકોની સંખ્યામાં ઘટાડો થશે. દક્ષિણ માટે બેઠકોમાં આટલો ઘટાડો અને ઉત્તર માટે બેઠકોમાં વધારો ભાજપને ફાયદો કરાવશે. કારણ કે તેમનો ઉત્તરમાં વધુ પ્રભાવ છે.

આપણ વાંચો: લોકસભામાં મહાકુંભ મુદ્દે પીએમ મોદીએ શું કહ્યું? જાણો વિગત

દક્ષિણ વસ્તી આધારિત સીમાંકન સ્વીકારશે નહીં

તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ કહ્યું કે, દક્ષિણ વસ્તી આધારિત સીમાંકન સ્વીકારશે નહીં. વસ્તી આધારિત સીમાંકનના કિસ્સામાં ઉત્તર (ઉત્તરીય રાજ્યો) આપણને બીજા દરજ્જાના નાગરિક બનાવશે.પરંતુ અમે આ પ્રસ્તાવિત સીમાંકન સ્વીકારી શકતા નથી. કારણ કે તે આપણને રાજકીય રીતે મર્યાદિત કરશે. આ આપણને એક કાર્યક્ષમ રાજ્ય હોવા બદલ સજા કરશે. આપણે ભાજપને અન્યાયી સીમાંકન લાગુ કરતા અટકાવવું પડશે.

અમે રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કર્યું : ડીકે શિવકુમાર

જ્યારે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું કે, કોઈપણ કિંમતે આપણે દેશને નિરાશ કરી શકતા નથી અને આપણી બેઠકો પણ ઓછી ના થવી જોઇએ. તેમણે દાવો કર્યો હતો કે દક્ષિણ ભારતે હંમેશા વસ્તી ગણતરીના નિયમો અને કુટુંબ નિયોજન નીતિઓ અમલમાં મૂકી છે. જેના કારણે તે એક પ્રગતિશીલ પ્રદેશ બન્યો છે. તેમણે કહ્યું કે, અમે હંમેશા આર્થિક અને સાક્ષરતાના સંદર્ભમાં આગળ કામ કર્યું છે. અમે હંમેશા રાષ્ટ્રીય હિતનું રક્ષણ કર્યું છે.

પંજાબના સીએમ ભગવંત માને કર્યો વિરોધ

જયારે સીમાંકન બેઠકમાં પંજાબના સીએમ ભગવંત માને કહ્યું કે, ભાજપ જ્યાં જીતે છે ત્યાં બેઠકો વધારવા માંગે છે અને જ્યાં હારે છે ત્યાં બેઠકો ઘટાડવા માંગે છે.

સંયુક્ત કાર્યકારી સમિતિ બેઠકમાં 5 રાજ્યોના 14 નેતાઓ હાજર

સીમાંકન પર પ્રથમ સંયુક્ત કાર્યકારી સમિતિ (JAC)ની બેઠકમાં તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં પાંચ રાજ્યોના 14 નેતાઓએ હાજરી આપી હતી અને તેમણે ઉચ્ચ આર્થિક વિકાસ અને સાક્ષરતા ધરાવતા રાજ્યોમાં લોકસભા બેઠકોના સીમાંકનથી ઉદ્ભવતા ખતરો અંગે ચર્ચા કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button