PM-CMને હટાવતા બિલ પર કોંગ્રેસના આકરા પ્રહારઃ કોંગ્રેસનો ભાજપ પર “ધ્યાન ભટકાવવા”નો આરોપ

નવી દિલ્હીઃ કોંગ્રેસે દાવો કર્યો હતો કે ગંભીર આરોપોમાં 30 દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવેલા વડા પ્રધાન, મુખ્ય પ્રધાનો અને મંત્રીઓને દૂર કરવાનો પ્રસ્તાવ મૂકતા બિલો જનતાનું ધ્યાન ભટકાવવા માટેના હથિયાર છે. તેમણે દાવો કર્યો હતો કે આ બિલનો હેતુ “વોટ ચોરી”, ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે વિપક્ષના એક મજબૂત ઉમેદવાર અને ભારત-અમેરિકાના સંબંધોમાં સમસ્યાઓ પરથી ધ્યાન હટાવવાનો છે.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે ભાજપની “ભ્રષ્ટાચાર વિરોધી ઓળખ” “વોશિંગ મશીન ચલાવવા” સુધી મર્યાદિત છે અને આરોપ લગાવ્યો હતો કે અમિત શાહ દ્વારા રજૂ કરાયેલા બિલો “ગેરબંધારણીય અને લોકશાહી વિરોધી” છે. મીડિયા સાથે વાત કરતા તેમણે ચોમાસુ સત્ર લગભગ બરબાદ થવા પાછળ સરકારને જવાબદાર ઠેરવી અને કહ્યું હતું કે આ સરકારના “મારો રસ્તો અથવા હાઈ-વે” અભિગમના કારણે થયું છે.
આ પણ વાંચો: જગદીપ ધનખડનું રાજીનામું પદડા પાછળની રાજરમતઃ સંજય રાઉત અને જયરામ રમેશે આપી પ્રતિક્રિયા
નોંધનીય છે કે ગૃહમંત્રી અમિત શાહે બુધવારે લોકસભામાં ગંભીર આરોપોમાં સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રાખવા પર વડા પ્રધાન, મુખ્ય પ્રધાનો અને મંત્રીઓને પદભ્રષ્ટ કરવા માટેના ત્રણ બિલ રજૂ કર્યા, જેનો વિરોધ પક્ષના સાંસદોએ ઉગ્ર વિરોધ કર્યો અને ડ્રાફ્ટ કાયદાની નકલો ફાડી નાખી અને સૂત્રોચ્ચાર કરી શાહની સીટ સુધી પહોંચી ગયા હતા. શાહના પ્રસ્તાવ પર ગૃહ દ્વારા બિલોને સંસદની સંયુક્ત સમિતિ સમક્ષ મોકલવામાં આવ્યા હતા જેમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સભ્યોનો સમાવેશ થાય છે.
આ ત્રણ બિલ છે કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર (સુધારા) બિલ 2025, બંધારણ (130મો સુધારો) બિલ 2025; અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ 2025 છે. બિલમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે જો વડા પ્રધાન, કેન્દ્રીય મંત્રીઓ અથવા મુખ્યપ્રધાનોની ધરપકડ કરવામાં આવે અને ઓછામાં ઓછા પાંચ વર્ષની જેલની સજાને પાત્ર ગુનાઓ માટે સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવે તો તેઓ 31મા દિવસે આપમેળે પોતાનું પદ ગુમાવશે.