કર્ણાટકમાં હિંદુ યુવતીની હત્યા મામલે રાજકારણ ગરમાયું, PM મોદીએ પણ કોંગ્રેસ પર કર્યા પ્રહાર

બેંગલુરૂ: લોકસભાની ચૂંટણી ટાળે કર્ણાટકમાં એક હિંદુ યુવતીના મોતનો મામલે હવે રાજકારણ શરૂ થઈ ગયું છે, પીએમ મોદીએ પણ એક ચૂંટણી રેલીમા નેહા હિરેમથ મર્ડર કેસનો ઉલ્લેખ કરીને રાજ્યની કોંગ્રેસ સરકારની ઝાટકણી કાઢી હતી. તેમણે રાજ્યના હુબલી જિલ્લામાં ધોળા દિવસે થયેલી નેહાની હત્યાના મામલે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે ભારતમાં કોંગ્રેસ પાર્ટી જે વિચારધારાને પ્રોત્સાહન આપી રહી છે તે ખતરનાક છે.
પીએમ મોદીએ લોકોને સંબોધતા કહ્યું કે આપણી બહેન-દીકરીઓ પર હુમલા થઈ રહ્યા છે, જાહેર સ્થળો પર બોંબ વિસ્ફોટો થઈ રહ્યા છે. જે લોકો ભજન-કિર્તન સાંભળે છે તેના પર પણ હુમલા થઈ રહ્યા છે. આ કોઈ સામાન્ય ઘટનાઓ નથી, એટલા માટે જ હું બેંગલુરૂ અને કર્ણાટકના લોકોને અપિલ કરૂ છું કે તમારે કોંગ્રેસથી સતર્ક રહેવાની જરૂર છે.
ઉલ્લેખનિય છે કે 18 એપ્રિલ 2024ના રોજ ફૈયાઝ ખોંડુનાઈકે કર્ણાટકના હુબલી જિલ્લામાં આવેલી બીવીબી કોલેજ કેમ્પસમાં કોંગ્રેસના કોર્પોરેટર નિરંજન હિરેમથની પુત્રી નેહા હિરેમથની ચાકુ મારીને હત્યા કરી નાખી હતી.
આ પણ વાંચો : ‘ભાજપ નરેન્દ્ર મોદીની પૂજા કરતો સંપ્રદાય બની ગયો છે’, કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમએ આવું કેમ કહ્યું?
હુમલા બાદ શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા નેહાને લોહિયાળ હાલતમાં જ હોંસ્પિટલમાં પહોંચાડવામાં આવી હતી. પરંતું આઈએમએસ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું માર્ગમાં મૃત્યુ થયું હતું.
મળતી માહિતી મુજબ નેહા આ કોલેજમાં એમસીએ ફર્સ્ટ યરની વિદ્યાર્થિની હતી અને ફૈયાઝ નેહાનો ક્લાસમેટ હતો. જો કે પોલીસે ફૈયાઝની ધરપકડ કરીને તેની ધરપકડ કરી છે અને હાલ તેની પૂછપરછ ચાલું જ છે. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે બંને એકબીજાના પ્રેમમાં હતા, પરંતું નેહાએ તેના પ્રેમી ફૈયાઝથી દુર રહેવા લાગી હતી તેથી તેણે ગુસ્સામાં આવીને આ કૃત્યને અંજામ આપ્યું હતું.
આ સમગ્ર મામલે કર્ણાટકમાં જબરદસ્ત આક્રોશ છે અને ABVP સહિત અનેક હિંદુ સંગઠનો રાજ્યમાં વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. તેઓ આરોપીને ફાંસી આપવાની માગ કરી રહ્યા છે. ભાજપ આ મામલાને લવ જેહાદનું નામ આપી લોકસભાની ચૂંટણીમાં રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યું છે.