નેશનલ

તો શું ઓસ્ટ્રેલિયા-તુર્કિયેમાં બનેલી પિસ્તોલથી બાબા સિદ્દીકની હત્યા કરવામાં આવી હતી?

મુંબઇઃ NCP (અજિત પવાર જૂથ)ના નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ પોલીસ, ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી છે, જેમાં મુંબઈ પોલીસને મોટી સફળતા મળી છે. મુંબઈ પોલીસે દાવો કર્યો છે કે બાબા સિદ્દીકીની હત્યામાં ઓસ્ટ્રેલિયન બનાવટની ગ્લોક પિસ્તોલ, તુર્કીની બનાવટની એક પિસ્તોલ અને દેશી બનાવટની પિસ્તોલ વાપરવામાં આવી હતી. આ હથિયારો ઘટનાના થોડા દિવસ પહેલા જ શૂટરોને પહોંચાડવામાં આવ્યા હતા. પોલીસે ત્રણેય હથિયારો કબજે કર્યા છે. હત્યામાં વપરાતા આવા હથિયારો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસનું માનવું છે કે આ કોઇ સ્થાનિક ગેંગનું કામ ના હોઇ શકે. લોરેન્સ બિશ્નોઈ જેવી મોટી ગેંગ જ આવી ઘટનાને અંજામ આપી શકે છે. તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે હત્યામાં સામેલ શૂટરોએ મુંબઈના કુર્લા વિસ્તારમાં ભાડાના મકાનમાં યુટ્યુબ પર વીડિયો જોઈને શસ્ત્રોનો ઉપયોગ કરવાનું શીખ્યા હતા.

બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરે હત્યા કરવામાં આવી હતી. તેમના વિધાન સભ્ય પુત્રની ઓફિસની બહાર આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. બઈ પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરી છે, જેમાં હરિયાણાના રહેવાસી ગુરમેલ બલજીત સિંહ, ઉત્તર પ્રદેશના રહેવાસી ધર્મરાજ રાજેશ કશ્યપ, હરીશકુમાર બલક્રમ નિષાદ અને પ્રવીણ લોંકરનો સમાવેશ થાય છે. આ ઘટનાનો મુખ્ય આરોપી શિવકુમાર ગૌતમ ફરાર છે. અટકાયતમાં લેવાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે શિવકુમાર ગૌતમ ઉત્તર પ્રદેશમાં લગ્નોમાં ઉજવણી દરમિયાન કરવામાં આવતા ગોળીબાર અને બંદૂકોના ધડાકા કરતા કરતા બંદૂકનો ઉપયોગ કરવાનું શીખ્યો હતો. તેને મુખ્ય શૂટર તરીકે રાખવામાં આવ્યો હતો કારણ કે તે બંદૂક ચલાવવાનું જાણતો હતો. પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરોની હત્યા બાદ કપડાં બદલવાની યોજના હતી, પણ માત્ર શિવકુમાર ગૌતમ જ કપડા બદલવામાં સફળ થયો હતો. પોલીસને તેના બદલેલા કપડા પણ મળી આવ્યા છે. બાબા સિદ્દીકીની જ્યાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી ત્યાંથી અમુક મીટર દૂર તેની પિસ્તોલવાળી બેગ મળી આવી હતી. બેગમાંથી મળેલી પિસ્તોલ અને આધાર કાર્ડ શિવકુમાર ગૌતમનું હતું.

શુભમ લોંકરની પોલીસે જૂનમાં અભિનેતા સલમાન ખાનના બાંદ્રા ઘરની બહાર ફાયરિંગના સંબંધમાં પણ પૂછપરછ કરી હતી. મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના અકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આર્મ્સ એક્ટ કેસમાં જાન્યુઆરીમાં શુભમની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી દસથી વધુ હથિયારો મળી આવ્યા હતા. શુભમની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે તે લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલના સંપર્કમાં હતો. અધિકારીએ જણાવ્યું કે જામીન પર છૂટ્યા બાદ શુભમ પોલીસના રડારમાં હોવા છતાં 24 સપ્ટેમ્બરે ગુમ થઈ ગયો હતો.

કુર્લાના જે મકાનમાં આરોપીઓ ભાડેથી રહ્યા હતા, તેની પણ પોલીસે મુલાકાત લીધી હતી. આરોપીઓની બાઇક અને હેલ્મેટ પણ પોલીસે જપ્ત કરી છે.

તપાસ દરમિયાન મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચને ખબર પડી હતી કે 21 મેની સાંજે તેમના પર ફાયરિંગની અફવા ફેલાઈ હતી. ધિકારીઓ હવે તપાસ કરી રહ્યા છે કે આ અફવા કોણે ફેલાવી હતી અને બાબા સિદ્દીકીની હત્યા સાથે તેનો કોઈ સંબંધ છે કે કેમ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button