નેશનલ

કાશી વિશ્વનાથ મંદિરમાં પોલીસકર્મીઓ ધોતી-કુર્તા પહેરેલા જોવા મળશે! નિર્ણયને કારણે વિવાદ

વારાણસી: વારાણસી પોલીસ(Varanasi Police)એ કાશી વિશ્વનાથ મંદિર(Kashivishwanath Temple)ના ગર્ભગૃહના દરવાજા પર તૈનાત પોલીસકર્મીઓને પ્રાયોગિક ધોરણે ધોતી અને કુર્તા પહેરવા અને મંદિરના પૂજારીઓની જેમ કપાળ પર તિલક કરવા કહ્યું છે. વિપક્ષે આ પગલા સામે વાંધો ઉઠાવ્યો છે, તો પોલીસના જણાવ્યા મુજબ વારાણસીના મંદિરમાં વધુ આવકારદાયક વાતાવરણને પ્રાત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વારાણસીના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પહેલા 15 દિવસના ટ્રાયલ માટે આ પ્રેક્ટીસ શરૂ કરવામાં આવી છે, ત્યારબાદ તેની સમીક્ષા કરવામાં આવશે. આવી ટ્રાયલ વર્ષ 2018 માં પણ કરવામાં આવી હતી, પરંતુ ટ્રાયલ પિરીયડ બાદ તેને બંધ કરવામાં આવ્યું હતું.

પોલીસ અધિકારીએ જણાવ્યુ કે, “મંદિરે આવતા ભક્તો આદરભાવ અનુભવે એ માટે આ પ્રેક્ટીસ શરુ કરવામાં આવી રહી છે, ખાસ કરીને મોટા મેળાવડાના સમયે અને VIPs ની મુલાકાતો દરમિયાન.”

હાલ ગર્ભગૃહના ચાર દરવાજા પર તૈનાત માત્ર ચાર પુરુષ પોલીસ કર્મચારીઓ ધોતી અને કુર્તા પહેરીને ફરજ પર તૈનાત છે, એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તેમની સાથે તૈનાત ચાર મહિલા પોલીસ કર્મચારીઓ પણ ટૂંક સમયમાં કુર્તા પહેરી ફરજ બજાવશે. વધુ પોલીસ કર્મચારીઓને દરવાજાથી 15 મીટર દૂર રાખવામાં આવ્યા છે, પરંતુ તેઓ ખાકી યુનિફોર્મમાં હશે.

વિપક્ષ તરફથી આ પગલાની ટીકા કરવામાં આવી રહી છે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે X પર એક પોસ્ટમાં કહ્યું હતું: “ક્યા પોલીસ મેન્યુઅલ મુજબ પોલીસકર્મીઓ માટે પૂજારી તરીકે પોશાક પહેરવો તે યોગ્ય છે? આવા આદેશ આપનારાઓને સસ્પેન્ડ કરવા જોઈએ. જો આવતીકાલે કોઈ ગુંડા આનો ફાયદો ઉઠાવીને નિર્દોષ જનતાને લૂંટશે તો યુપી સરકાર અને પ્રશાસન શું જવાબ આપશે? આ નિંદનીય છે!”

જો કે, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય મુલાકાતીઓના અનુભવને સુખદ બનાવવા અને પોલીસની સાથે જોડાયેલી કોઈપણ નકારાત્મક ધારણાઓને દૂર કરવાનો છે. મંદિરમાં તૈનાત પોલીસ કર્મચારીઓ માટે ત્રણ દિવસીય કમ્યુનીકેશન સ્કીલ ટ્રેનીંગ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવશે.

કાશી વિશ્વનાથ મંદિરની સુરક્ષા માટે વિવિધ રેન્કના લગભગ 800 પોલીસ કર્મચારીઓ રોટેશનલ ધોરણે તૈનાત છે, જેમાં કોઈપણ સમયે લગભગ 250 પોલીસ કર્મચારીઓ મંદિર પરિસરમાં તૈનાત રહે છે. એક અંદાજ મુજબ મંદિરમાં દરરોજ લગભગ પાંચ લાખ ભક્તો આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button