કરૂર નાસભાગ: 41 મૃત્યુ બાદ અભિનેતા-રાજકારણી વિજય પર પોલીસે લગાવ્યા ગંભીર આરોપો

કરુરઃ તમિલનાડુના કરૂરમાં રવિવારે સાંજે એક રેલી દરમિયાન થયેલી નાસભાગમાં 41 લોકોનાં જીવ ગયા હતા. આ ઘટના તમિલગા વેત્રિ કઝગમ (TVK)ના અધ્યક્ષ અને જાણીતા અભિનેતા વિજયની રેલીમાં બની હતી. આ ઘટનાએ રાજકીય વિવાદને જન્મ આપ્યો છે, જેમાં પોલીસે વિજય પર ‘જાણીજોઈને શક્તિ પ્રદર્શન’ કરવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટનાએ ન માત્ર રાજ્યના રાજકારણને હચમચાવી દીધું છે, પરંતુ જનસુરક્ષા અને રેલીઓના આયોજન પર પણ સવાલો ઉભા કર્યા છે.
આ રેલીમાં થયેલી નાસભાગ મામલે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રેલીનું આયોજન કરનાર વિજય નિર્ધારિત સમયથી 7 કલાક મોડા આવ્યા હતા. જેના કારણે લોકોની ભીડ 10 હજારથી વધીને ત્રણ ગણી થઈ ગઈ હતી. પોલીસે આરોપ લગાવ્યો કે, વિજય જાણી જોઈને મોડા આવ્યા હતા. જેથી ભીડમાં ઉત્સાહ અને અપેક્ષાઓ વધે. આ ઉપરાંત, રેલી દરમિયાન વિજયનું કેમ્પેઈન બસ ગેરકાયદે ઘણા સ્થળો પર રોકાયું હતું. જેના કારણે આ રેલી રોડ શોમાં ફેરવાઈ ગઈ હતી. જેની વિજયે પરવાનગી લીધી ન હતી.
આ પણ વાંચો: અભિનેતા વિજય પર છાત્ર સંઘ ભડક્યું, કરૂરમાં લગાવ્યા ભયાનક પોસ્ટરો
આ ઘટના દરમિયાન TVKના કાર્યકર્તાઓએ ભીડને નિયંત્રિત કરવા માટે લગાવેલા બેરિકેડ્સ તોડી નાખ્યા હતા. આ ઉપરાંત, ઘણા લોકો ટીનની છત પર ચડવાનો પ્રયાસ કર્યો જે અચાનક તૂટી પડી હતી. જે બાદ અફરાતફરીમાં 41 લોકોના મોત નિપજ્યાં હતાં. પોલીસે જણાવ્યું કે ખાણી-પીણીની સુવિધાનો અભાવ અને ટ્રાફિકની અવ્યવસ્થાએ પણ ભીડને બેકાબૂ કરી દીધી, જેના પરિણામે આ દુર્ઘટના સર્જાઈ.
રાજકીય દોષારોપણ અને તપાસની માગ
આ ઘટના બાદ રાજકીય માહોલ ગરમાયો છે. TVKએ આ ઘટનાને ‘DMKનું ષડયંત્ર’ ગણાવીને મદ્રાસ હાઈકોર્ટમાં CBI તપાસની માગ કરી છે. TVKના વકીલ અરિવાઝગને દાવો કર્યો કે તેમની પાર્ટીએ કોઈ નિયમનું ઉલ્લંઘન કર્યું નથી અને અગાઉની રેલીઓ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. બીજી તરફ, DMKના પ્રવક્તા ડૉ. સૈયદ હફીઝુલ્લાહે આરોપોના જવાબ આપવાનું ટાળતા કહ્યું કે આ ઘટનાને રાજકીય રંગ ન આપવો જોઈએ અને TVKએ પોતાના વર્તન પર ધ્યાન આપવું જોઈએ.
તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિને આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને લોકોને અફવાઓથી દૂર રહેવા અને જવાબદારીપૂર્વક વર્તન કરવાનું જણાવ્યું હતું. આ ઘટનાએ જનસુરક્ષા અને રેલીઓના આયોજનની તૈયારીઓ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે, હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.