
નવી દિલ્હી: પવિત્ર રમઝાન મહિનાના અંત સાથે આજે સોમવારે દેશભરમાં ઈદ ઉલ ફિત્રનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આજે દિલ્હીની જામા મસ્જિદમાં સવારે 6.45 વાગ્યે ઈદની ખાસ નમાઝ અદા કરવામાં આવશે. દિલ્હી સહિત દેશનાં અનેક ભાગોમાં બજારોમાં ઈદની અસર અને ઉત્સાહ જોવા મળ્યા છે. જો કે તેની સાથે જ પોલીસ પણ તહેવાર અંગે કોઈ પણ પ્રકારની ઢીલના મૂડમાં નથી અને આથી જ દિલ્હીથી લઈને બંગાળ-નાગપુર, પોલીસે સુરક્ષા મામલે વિશેષ તૈયારીઓ કરી છે.
દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા
દિલ્હી પોલીસે ઈદને ધ્યાને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. શહેરનાં ખૂણે અને ખૂણે પોલીસનો કાફલો તૈનાત રહેશે . પોલીસે લોકોને શાંતિ, સુલેહ અને ભાઈચારા સાથે તહેવાર ઉજવવા વિનંતી કરી છે. દિલ્હી પોલીસના આઉટર ડિસ્ટ્રિક્ટ ડીસીપી સચિન શર્માએ સુરક્ષા અંગે માહિતી આપતા કહ્યું હતું કે અંદાજે 800 થી 900 જવાનોને તૈનાત કરવામાં આવશે. ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને, બહારથી પણ ફોર્સનાં સ્ટાફને બોલાવવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં બાઇક પર પણ પેટ્રોલિંગ કરવામાં આવશે. દિલ્હી ઉપરાંત યુપીમાં પણ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો: હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે મોટી દુર્ઘટનાઃ ત્રણ મહિલા સહિત છનાં મોત
UPમાં શું છે વ્યવસ્થા?
ઉત્તર પ્રદેશમાં પણ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસે સંભલ જિલ્લામાં પોતાની તકેદારી વધારી દીધી છે. CO અનુજ ચૌધરીએ PAC અને RAF સાથે ફ્લેગ માર્ચ કાઢી હતી. ઇદગાહમાં નમાઝ અદા કરવામાં આવશે. શહેર પર 1300થી વધુ કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ડ્રોન કેમેરા દ્વારા પણ દેખરેખ રાખવામાં આવી રહી છે. સુરક્ષા માટે લગભગ 7 PAC કંપનીઓ, RRF ની 3 કંપનીઓ અને RAF ની 2 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.
નાગપુરમાં કડક સુરક્ષા વ્યવસ્થા
17 માર્ચે નાગપુરમાં ભારે હિંસા થઈ હતી. આને ધ્યાનમાં રાખીને નાગપુરના મહલ, ચિટનીસ પાર્ક, મોમિનપુરા, ભગદલપુરા અને હંસાપુરી વિસ્તારોમાં ભારે પોલીસ સુરક્ષા વચ્ચે ઈદની નમાજ અદા કરવામાં આવી હતી. પોલીસે આ માટે એક ફૂલપ્રૂફ પ્લાન તૈયાર કર્યો છે. પોલીસ અને વહીવટીતંત્રે ભડકાઉ પોસ્ટ કરનારા લોકોને કડક ચેતવણી આપી છે.
આ પણ વાંચો: ગીબલી થીમ્ડ ઈમેજ જનરેટ કરવાનો ક્રેઝ આસમાને; ChatGPT ઠપ્પ થઇ ગયું…
પશ્ચિમ બંગાળમાં પોલીસ હાઈ એલર્ટ
ઈદના તહેવારને લઈને પશ્ચિમ બંગાળમાં પોલીસ હાઈ એલર્ટ પર છે. દક્ષિણ બંગાળના એડીજી પ્રતિમ સરકારે મીડિયાને જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન રાજ્યમાં અશાંતિ ફેલાવવાની યોજનાના અહેવાલો છે. તેમણે કહ્યું કે પોસ્ટરો દ્વારા લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસે લોકોને સતર્ક રહેવા અને કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે.