એવું તે શું બન્યું કે કબ્રસ્તાનમાં દફનવેલા લાશને પોલીસે કાઢી બહાર….!
ભુવનેશ્વર: ઓડિશાના બેરહામપુરમાં હોસ્પિટલ દ્વારા મૃતકના અંગની ચોરી કર્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. હકીકતે થોડા દિવસો પહેલા કાલાહાંડી જિલ્લામાં એક વ્યક્તિનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. દુર્ઘટના બાદ તેને કટકની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેનું સારવાર દરમિયાન જ મૃત્યુ થયું હતું. જો કે હવે મૃતકના પુત્રના આરોપોને કારણે, વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો છે.
મૃતકના પુત્રએ દાવો કર્યો હતો કે તેના પિતાને માથાના ભાગે ઈજા પહોંચી હતી અને તેમને કટકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેના મોત થયા બાદ જ્યારે તેમના મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો ત્યારે તેના પેટમાં સર્જરીના નિશાન જોવા મળ્યા હતા. મૃતકના પુત્રએ આરોપ લગાવ્યો, ‘અમને શંકા છે કે હોસ્પિટલ સત્તાવાળાઓએ મારા પિતાના કેટલાક અંગો કાઢી નાખ્યા હશે.’
પોલીસે આ મામલે જણાવ્યું હતું કે મૃતકને કટકની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને 16 ઓક્ટોબરે તેનું મોત થયું હતું. હોસ્પિટલ દ્વારા પોસ્ટમોર્ટમ કર્યા વિના મૃતકના પરિવારના સભ્યોને મૃતદેહ સોંપી દીધો અને અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી ન હતી.
પોલીસે જણાવ્યું કે મૃતકના પરિવારજનોએ 17 ઓક્ટોબરના રોજ કબ્રસ્તાનમાં તેના મૃતદેહને દફનાવ્યો હતો. બાલીગુડા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર સુશાંત સાહુએ જણાવ્યું કે કબ્રસ્તાનમાંથી મૃતદેહને બહાર કાઢ્યા બાદ સબ ડિવિઝનલ હોસ્પિટલમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું- અમે મૃતકના પુત્રના અંગ ચોરીના આરોપની પણ તપાસ કરી રહ્યા છીએ. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ તમામ માહિતી જાણી શકાશે. આ બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જો કે આ દરમિયાન પણ હોસ્પિટલ તરફથી આરોપોને નકારી કાઢવામાં આવ્યા હતા.