ટોપ ન્યૂઝનેશનલ

પીએનબી કૌભાંડના આરોપી ભાગેડુ મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ, પ્રત્યાર્પણની માંગ

નવી દિલ્હી: દેશમા વર્ષ 2018ના પંજાબ નેશનલ બેંક( પીએનબી) લોન કૌભાંડના આરોપી ભાગેડુ મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. ભારતીય એજન્સીઓ દ્વારા મેહુલ ચોક્સીને બેલ્જિયમમાં શોધી કાઢવામાં આવ્યો હતો. વર્ષ 2021 ના ​​અંતમાં મેહુલ ચોક્સી એન્ટિગુઆથી ભાગી ગયો હતો અને બેલ્જિયમ પહોંચી ગયો હતો. મીડિયા અહેવાલ અનુસાર 65 વર્ષીય ચોક્સી ને શનિવારે ના રોજ સીબીઆઈની અપીલ પર ધરપકડ કરવામાં આવી હતી અને તે હજુ પણ જેલમાં છે. હવે તેના પ્રત્યાર્પણની તૈયારીઓ કરવામાં આવશે. જોકે, તેમના વકીલ તેમના સ્વાસ્થ્ય અને અન્ય દલીલો કરીને કોર્ટમાં જામીન માટે પ્રયાસ કરશે.

13,500 કરોડ રૂપિયાની લોન છેતરપિંડી

ઉલ્લેખનીય છે કે, મેહુલ ચોકસીએ પંજાબ નેશનલ બેંકમાંથી 13,500 કરોડ રૂપિયાની લોન છેતરપિંડી કરી હતી. આ છેતરપિંડી પ્રકાશમા આવે તે પૂર્વે મેહુલ ચોક્સી ધરપકડથી બચવા માટે બેલ્જિયમ ભાગી ગયો હતો. અહીં તે તેની પત્ની પ્રીતિ ચોક્સી સાથે એન્ટવર્પમાં રહેતો હતો કારણ કે પ્રીતિ ચોક્સી પાસે બેલ્જિયમની નાગરિકતા છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેમની પાસે બેલ્જિયમમાં ‘એફ રેસીડેન્સી કાર્ડ’ હતું અને તેઓ સારવાર માટે એન્ટિગુઆથી બેલ્જિયમ આવ્યા હતા.

ચોક્સી નીરવ મોદી સાથે ભાગી ગયો હતો

પંજાબ નેશનલ બેંક લોન છેતરપિંડીનો કેસ પ્રકાશમાં આવે તે પહેલાં જ, મેહુલ ચોક્સી જાન્યુઆરી 2018 માં તેના ભત્રીજા નીરવ મોદી સાથે ભારતમાંથી ભાગી ગયો હતો. પીએનબી લોન કૌભાંડ ભારતનું બીજું સૌથી મોટું બેંક કૌભાંડ હતું. બેંક છેતરપિંડી પ્રકાશમાં આવે તે પહેલાં જ ચોકસીએ એન્ટિગુઆની નાગરિકતા લઈ લીધી હતી. વર્ષ 2021 મા જ્યારે ચોક્સી ક્યુબા જઈ રહ્યો હતો ત્યારે તે ડોમિનિકામાં પકડાઈ ગયો. આ ધરપકડ બાદ મેહુલે કહ્યું હતું કે આ બધું રાજકીય ષડયંત્રને કારણે થઈ રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ઇડીએ ભારતમાં તેમની મિલકતો ગેરકાયદે રીતે જપ્ત કરી છે.

આ પણ વાંચો: ગુજરાતમા હથિયાર ખરીદી કૌભાંડ મામલે વધુ 16 ઝડપાયા,  15 હથિયાર અને 498 રાઉન્ડ જપ્ત કરાયા

પીએનબી કૌભાંડ શું છે ?

પંજાબ નેશનલ બેંક કૌભાંડ બેંક દ્વારા આપવામા આવેલા રૂ. 10,000 કરોડના છેતરપિંડીવાળા લેટર ઓફ અંડરટેકિંગ સાથે સંબંધિત છે. આ કેસમાં મુખ્ય આરોપીઓ ઝવેરી અને ડિઝાઇનર નીરવ મોદી તેના મામા મેહુલ ચોક્સી સહિત સંબંધીઓ અને પીએનબીના કેટલાક કર્મચારીઓ હતા. કૌભાંડ પ્રકાશમા આવે તે પૂર્વે વર્ષ 2018 ની શરૂઆતમાં નીરવ મોદી અને તેના સંબંધીઓ ભારતમાંથી ભાગી ગયા હતા. પીએનબી કૌભાંડને ભારતના બેંકિંગ ઇતિહાસમાં સૌથી મોટી છેતરપિંડી તરીકે ઓળખવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button