ઘાનાથી શરૂ થશે PMની પાંચ દેશોની યાત્રા, જાણો આ પ્રવાસ કેમ મહત્વનો છે?

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2 જુલાઈ, 2025થી પાંચ દેશોના પ્રવાસે જઈ રહ્યા છે, જેની શરૂઆત પશ્ચિમ આફ્રિકાના ઘાનાથી થશે. આ પ્રવાસમાં તેઓ ત્રિનિદાદ એન્ડ ટોબેગો, અર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની મુલાકાત લેશે. ત્રણ દાયકામાં કોઈ ભારતીય વડા પ્રધાનનો ઘાનાનો આ પ્રથમ પ્રવાસ છે, જે ભારત-ઘાના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાનો પ્રયાસ છે. આ યાત્રા આર્થિક, રાજનૈતિક અને સાંસ્કૃતિક સહયોગ વધારવા માટે મહત્વની છે.
PM મોદી ઘાનામાં બે દિવસ રોકાશે, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ જોન ડ્રામાની મહામા સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને ઘાનાની સંસદને સંબોધશે. આ ઉપરાંત, તેઓ ઘાનામાં ભારતીય સમુદાય સાથે પણ સંવાદ કરશે. આ પ્રવાસ ભારતની આફ્રિકા નીતિને મજબૂત કરવા અને ઘાના સાથે વેપારી સંબંધોને વધુ ગાઢ કરવા માટે નિર્ણાયક છે.
ઘાનાનું મહત્વ
આફ્રિકા માટે ધાના ખુબ મહત્વનો ભાગ છે. કેમ કે ઘાના સોનું, બોક્સાઈટ, લાકડું, કોકો અને કાજુની નિકાસ કરે છે, જે ભારતના ઔદ્યોગિક અને ખાદ્ય સુરક્ષા માટે જરૂરી છે. બદલામાં, ભારત ઘાનાને દવાઓ, અનાજ, મશીનરી, સ્ટીલ અને કાપડ પૂરું પાડે છે. બંને દેશો વચ્ચે 3 અબજ ડોલરનો વેપાર થાય છે, જેમાં સોનું 70%થી વધુ આયાતનો હિસ્સો ધરાવે છે. ભારતે ઘાનાને 450 મિલિયન ડોલરથી વધુની ગ્રાન્ટ અને રિયાયતી લોન આપી છે.
ઐતિહાસિક સંબંધો અને ભવિષ્ય
ભારત અને ઘાના વચ્ચે 70 વર્ષથી મજબૂત મિત્રતા છે. 1953માં ભારતે અકરામાં પ્રતિનિધિ કાર્યાલય ખોલ્યું હતું અને 1957માં ઘાનાની સ્વતંત્રતા બાદ રાજનૈતિક સંબંધો સ્થાપિત થયા. ઘાનામાં 15,000થી વધુ ભારતીયો રહે છે, જેમાંથી ઘણા ચોથી પેઢીમાં છે અને ઘાનાની નાગરિકતા ધરાવે છે. આ યાત્રા દરમિયાન કૃષિ, રક્ષા, ખનિજ અને ડિજિટલ સહયોગ પર ચર્ચા થશે. ઘાના પશ્ચિમ આફ્રિકામાં વેક્સીન હબ બનવા માગે છે, જેમાં ભારતનો સહયોગ મહત્વનો રહેશે.
આ પણ વાંચો…શુભાંશુ શુક્લાને PM Modiએ આપ્યું હોમવર્ક, ત્રણ ટાર્ગેટ પાર પાડવા માટે માંગી મદદ