PMOનું સરનામું બદલાવા જઈ રહ્યું છે! સાઉથ બ્લોકથી આ જગ્યાએ શિફ્ટ થશે

નવી દિલ્હી: હાલ ભારતના વડાપ્રધાનનું કાર્યાલય દિલ્હીના સાઉથ બ્લોકમાં આવેલું છે, પરંતુ PMOનું સરનામું આવતા મહિનાથી બદલાવા જઈ રહ્યું છે. અહેવાલ મુજબ આવતા મહિનાથી PMO એક્ઝિક્યુટિવ એન્ક્લેવમાં શિફ્ટ થશે. હવે નવું PMO વડાપ્રધાનના નિવાસસ્થાનની નજીક હશે.
સૂત્રોના જણાવ્યા અમુજબ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ નિર્મિત નવા એક્ઝિક્યુટિવ એન્ક્લેવમાં PMO ઉપરાંત કેબિનેટ સચિવાલય, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને એક અત્યાધુનિક કોન્ફરન્સિંગ સુવિધા ઉપલબ્ધ હશે, જેના કારણે કાર્ય સરળ બનશે.
અહેવાલમાં એવું જણાવવામાં આવ્યું કે નવા PMOને નવું નામ પણ આપવામાં આવી શકે છે. વડાપ્રધાન મોદીએ તેમના ત્રીજા કાર્યકાળના પ્રથમ સંબોધનમાં કહ્યું હતું, “PMO લોકોનું હોવું જોઈએ, PMO મોદીનું નથી.” તેમની આ વાતને ધ્યાનમાં રાખીને નવું નામ આપવામાં આવી શકે છે.
આ પણ વાંચો: ‘વડાપ્રધાન ચીકન નથી ખાતા…’ PMO સુધી પહોંચેલા એક કેટરિંગ બીલની કહાણી, પૂર્વ અધિકારીએ કર્યો ખુલાસો
નવી ઇમારતોની જરૂર કેમ પડી?
છેલ્લા 78 વર્ષથી PMO સાઉથ બ્લોકમાં આવેલું છે. જૂની ઓફિસોમાં જગ્યા ઓછી પડી રહી છે, વડાપ્રધાન મોદીએ તાજેતરમાં ગૃહ મંત્રાલય અને કર્તવ્ય ભવન-3નું ઉદ્ઘાટન કરતી વખતે કહ્યું હતું કે વહીવટી તંત્ર હજુ પણ બ્રિટિશ યુગની ઇમારતોમાં કાર્ય કરી રહ્યું છે, આ ઇમારતોમાં પૂરતી જગ્યા, પ્રકાશ અને વેન્ટિલેશન નથી.
વહીવટીતંત્રને નવા બિલ્ડિંગમાં શિફ્ટ કરવા માટેના પ્રોજેક્ટ પર કામ ઘણા સમયથી ચાલી રહ્યું હતું. ખાલી થઇ રહેલા નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકમાં મ્યુઝિયમ બનાવવામાં આવશે. તેમાં ‘યુગે યુગીન ભારત સંગ્રહાલય’ બનાવવામાં આવશે.
નવા કર્તવ્ય ભવનથી કર્મચારીઓ નારાજ:
તાજેતરમાં વડાપ્રધાન મોદીએ કર્તવ્ય ભવનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું, પરંતુ સેન્ટ્રલ સેક્રેટરીએટ સર્વિસ (CSS)ના અધિકારીઓ ખુશ નથી. CSSએ વડાપ્રધાનને લખાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ઓફિસનો લેઆઉટ ત્યાં કામ કરતા લોકોની પ્રાઈવસી અને કાર્યક્ષમતા પર પ્રતિકૂળ અસર કરી શકે છે.