PMO હવે ‘સેવાતીર્થ’ તરીકે ઓળખાશે, રાજભવનનું નવું નામ ‘લોકભવન’: સરકારે બદલ્યા અનેક સરકારી ભવનોના નામ

નવી દિલ્હીઃ દેશની વહીવટી વિચારધારામાં એક મોટો ફેરફાર આવી રહ્યો છે, જે અંતર્ગત ઘણાં સરકારી ભવનોના નામ બદલવામાં આવ્યા છે. આ શ્રેણીમાં હવે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)નું નામ પણ બદલવામાં આવ્યું છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બની રહેલા નવા PMO બિલ્ડિંગને હવે ‘સેવા તીર્થ’ તરીકે ઓળખવામાં આવશે.
આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ શાસનમાં સત્તા કે અધિકારને બદલે ‘સેવા’ની ભાવનાને અગ્રતા આપવાનો છે. આ એ કેન્દ્ર હશે જ્યાંથી દેશના મહત્વપૂર્ણ અને જનલક્ષી નિર્ણયો લેવાશે, જેનું નામ જ ‘સેવા’ના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે.
સરકાર વહીવટી માળખાને એવી ઓળખ આપવા માંગે છે જ્યાં સત્તા કરતાં સેવા અને અધિકાર કરતાં જવાબદારીનું મહત્વ વધુ દેખાય. પીએમઓનું નામ બદલવાનો આ ફેરફાર એક મોટી વિચારધારાનો ભાગ છે, જે તાજેતરના વર્ષોમાં જોવા મળી રહ્યો છે.
આપણ વાચો: Delhi ના સીએમ કાર્યાલયમાંથી બાબા આંબેડકર અને શહીદ ભગતસિંહની તસવીર દૂર કરાયાનો આપનો દાવો
અગાઉ, વડા પ્રધાન આવાસનું સરનામું પણ ‘રેસ કોર્સ રોડ’થી બદલીને ‘લોક કલ્યાણ માર્ગ’ કરવામાં આવ્યું હતું. આ તમામ પરિવર્તનો એવો સંદેશ આપે છે કે સરકારની પ્રાથમિકતા પ્રજાની સેવા કરવાની અને દેશ પ્રત્યેના કર્તવ્યનું પાલન કરવાની છે.
નામો બદલવાની આ પ્રક્રિયા માત્ર PMO સુધી સીમિત નથી. દેશભરના રાજ્યોના રાજભવનોને હવે ‘લોકભવન’ નામ આપવામાં આવી રહ્યું છે. વહીવટી માળખામાં આ પરિવર્તન ‘સત્તા’ના ખ્યાલને ‘સેવા’માં રૂપાંતરિત કરવાના વ્યાપક પ્રયાસને દર્શાવે છે.
આપણ વાચો: કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદે પીએમ મોદી સાથે મુલાકાત કરી, અનેક મુદ્દાઓ પર થઈ ચર્ચા
આ ઉપરાંત, દિલ્હીમાં આવેલું કેન્દ્રીય સચિવાલય પણ હવે નવા નામ ‘કર્તવ્ય ભવન’થી ઓળખાશે. આ તમામ ફેરફારો સરકારની નવી પ્રાથમિકતાઓને દર્શાવે છે – જે સેવા, કર્તવ્ય અને પારદર્શિતા પર આધારિત વહીવટની છે.
સરકાર ભારપૂર્વક જણાવે છે કે આ ફેરફારો માત્ર નામ પૂરતા મર્યાદિત નથી, પરંતુ તે વહીવટી તંત્રની મૂળભૂત વિચારધારામાં આવેલા પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે. ઉદાહરણ તરીકે, દિલ્હીના પ્રતિષ્ઠિત રાજપથનું નામ બદલીને ‘કર્તવ્ય પથ’ રાખવામાં આવ્યું છે.
આ પગલા એ સંદેશ આપે છે કે સરકાર શક્તિ પ્રદર્શન માટે નહીં, પરંતુ જનતાની સેવામાં સમર્પિત છે. સત્તાના કેન્દ્રોના નામમાં કરવામાં આવેલા આ બદલાવ, સેવા ભાવના અને જવાબદારી પર આધારિત શાસન પ્રત્યેની પ્રતિબદ્ધતાને સ્પષ્ટપણે દર્શાવે છે.



