
અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થઇ ચુક્યું છે, આજે મંગળવારે વડાપ્રધાન મોદી રામ મંદિરના શિખર પર ત્રિકોણાકાર ભગવો ધ્વજ ફરકાવશે. ઘણા લોકો તેને “બીજી પ્રાણ પ્રતિષ્ઠા”ગણાવી રહ્યા છે, વડા પ્રધાન અયોધ્યામાં એક સભાને પણ સંબોધિત કરશે.
નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી 2024 પહેલા પહેલા નિર્માણ કાર્ય ચાલુ હોવા છતાં 22 જાન્યુઆરી 2024 માં મંદિરના ગર્ભગૃહમાં રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. હવે આજે બપોરે આ ધ્વજ ફરકાવવાથી રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થવાની ઔપચારિક ઘોષણા થશે.
રામ મંદિર પર 10 ફૂટ ઉંચો અને 20 ફૂટ લાંબો ત્રિકોણાકાર ધ્વજ ફરકાવવામાં આવશે. આ ધ્વજ પર ભગવાન રામના અને સૂર્યની છબી હશે. ધ્વજ પર કોવિદાર વૃક્ષની છબી સાથે ‘ઓમ’ લખેલું પણ હશે.

સુરક્ષા સઘન બનાવવામાં આવી:
રામ મંદિર અને અયોધ્યા શહેરને શણગારવામાં આવી રહ્યું છે, આજે મોટી સંખ્યામાં મુલાકાતીઓ રામ મંદિર પહોંશી શકે છે.
વડાપ્રધાનની મુલાકાત પહેલા અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. ATS, NSG સ્નાઈપર્સ, સાયબર નિષ્ણાતો અને ટેકનિકલ ટીમોના કમાન્ડો સહિત કુલ 6,970 સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન આ મંદિરની પણ મુલાકાત લેશે:
વડાપ્રધાન મોદી અયોધ્યામાં સપ્તમંદિરમાં પણ દર્શન કરશે, જેમાં મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, મહર્ષિ વાલ્મિકી, દેવી અહિલ્યા, નિષાદરાજ ગુહા અને માતા શબરીના મંદિરો છે. વડાપ્રધાન મોદી શેષાવતાર મંદિર અને માતા અન્નપૂર્ણા મંદિરની પણ મુલાકાત લેશે.
જૂન 2026માં સંકુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે:
નોંધનીય છે કે 5 ઓગસ્ટ, 2020ના રોજ રામ મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. રામ મંદિર બાંધકામ સમિતિના જણાવ્યા મુજબ મુખ્ય મંદિરનું કામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ સંકુલની આસપાસના ઓડિટોરિયમ અને લેન્ડસ્કેપિંગ જેવા કેટલાક સંબંધિત કાર્યો જૂન 2026 સુધી સુધીમાં પૂર્ણ કરવામાં આવશે..



