‘તમારે ત્યાં આવકવેરાના દરોડા નહીં પડે…’, વડાપ્રધાન મોદીએ મુદ્રા યોજનાના લાભાર્થીને આવું કેમ કહ્યું?

નવી દિલ્હી: કેન્દ્ર સરકારની મુદ્રા યોજનાને 10 વર્ષ પૂર્ણ (Mudra Scheme 10 years completion) થયા છે, આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ આજે મંગળવારે આ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ સમય દરમિયાન, વડાપ્રધાન લાભાર્થીઓ સાથે રમુજ કરતા જોવા મળ્યા હતાં.
વડાપ્રધાનના નિવાસસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ યોજના મોદી માટે નથી. આ જરૂરિયાતમંદ લોકો માટે છે. ભારતના લોકો માટે કંઈ પણ અશક્ય નથી. આ યોજાનાના લાભાર્થીઓની સફર પ્રેરણાદાયક છે. મુદ્રા યોજના દેશના યુવાનો માટે છે, આ યોજના યુવાનોને સક્ષમ બનાવવા માટે છે.
લાભાર્થીઓ સાથે વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ એક લાભાર્થીને પૂછ્યું કે, તમારી હાલની આવક કેટલી છે? જેનો જવાબ આપવામાં લાભાર્થીએ સ્પષ્ટ જવાબ ના આપ્યો, લાભાર્થીને સંકોચમાં જોઈએને વડાપ્રધાન મોદીએ કહ્યું કે નાણા પ્રધાન મારી બાજુમાં બેઠા છે, હું તેમને કહીશ તમારે ત્યાં આવકવેરા વિભાગના લોકો ન મોકલે. આ સાંભળીને બધા જોરથી હસવા લાગ્યા.
આપણ વાંચો: રાજકીય પાર્ટીઓને ચૂંટણી લડવા માટે કોણ ફંડ આપે છે? અદાણી અને અંબાણી તો લિસ્ટમાં પણ…
નોંધનીય છે કેન્દ્ર સરકારે 8 એપ્રિલ 2015 ના રોજ મુદ્રા યોજના શરૂ કરી હતી. સરકારના આંકડા મુજબ મુદ્રા યોજના દર વર્ષે 5.14 કરોડ નોકરીઓનું સર્જન કરે છે. આ યોજના હેઠળ સરકારે દસ વર્ષમાં 53 લાખ કરોડ રૂપિયાની લોન આપી છે.
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું, “મુદ્રા યોજનાના 10 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે, મેં દેશભરના મુદ્રા લાભાર્થીઓને મારા નિવાસસ્થાને આમંત્રણ આપ્યું હતું. લાભાર્થીઓએ અમને જણાવ્યું કે આ યોજનાથી તેમના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવ્યું છે.”