દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાઈજીરિયા સહિત ત્રણ દેશોની મુલાકાતે છે. તેમને નાઈજિરિયામાં ‘ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઈજર’ (GCON)થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પહેલા મહારાણી એલિઝાબેથને આ સન્માન મળ્યું હતું. તેમને 1969 માં GCON થી નવાજવામાં આવ્યા હતા. મહારાણી એલિઝાબેથ બાદ આ સર્વોચ્ચ સન્માન મેળવનારા પીએમ મોદી વિશ્વના પ્રથમ વ્યક્તિ છે. કોઈપણ દેશ દ્વારા વડાપ્રધાન મોદીને આપવામાં આવેલો આ 17મો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે.
પીએમ મોદી ત્રણ દેશોની મુલાકાતે છે. રવિવારે તેઓ નાઇજિરિયા પહોંચ્યા હતા. 17 વર્ષમાં કોઇ ભારતીય વડા પ્રધાન દ્વારા પશ્ચિમ આફ્રિકન રાષ્ટ્રની આ પ્રથમ મુલાકાત છે. અબુજા એરપોર્ટ પર પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમને નાઈજિરિયામાં ‘ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઈજર’ (GCON)થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
PM મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવા નાઈજિરિયામાં ભારતીય સમુદાયના સભ્યો પણ એરપોર્ટ પહોંચ્યા હતા. પીએમ મોદીના આગમનની સાથે જ તેઓએ ભારતીય ધ્વજ લહેરાવ્યો અને હર્ષોલ્લાસ કર્યો હતો.
Also Read – PM Modi ત્રણ દેશોના પ્રવાસ દરમ્યાન પ્રથમ વાર નાઇજીરિયા પહોંચ્યા, ભારતીય સમુદાયને સંબોધિત કરશે
નાઈજિરિયાની રાજધાની અબુજામાં ફેડરલ કેપિટલ ટેરિટરી મિનિસ્ટર નાયસોમ ઈઝેનવો વાઈકે વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વાઇકે વડાપ્રધાન મોદીને અબુજા શહેરની ચાવીઓ આપી હતી. આ ચાવી નાઈજિરિયાના લોકો દ્વારા વડાપ્રધાનને આપવામાં આવેલા વિશ્વાસ અને સન્માનનું પ્રતીક છે. વડાપ્રધાન બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે નાઈજિરિયામાં દ્વિપક્ષીય ચર્ચા કરવાના છે.
પીએમ મોદી 17 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી ત્રણ દેશો નાઈજીરિયા, બ્રાઝિલ અને ગુયાનાના પ્રવાસે છે. તેમની આ મુલાકાતનો ઉદ્દેશ્ય આ દેશો સાથેના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવાનો છે.