Varanasi: વારાણસીમાં મોદીને પડકારવા કૉંગ્રેસના ઉમેદવાર કોણ હશે?
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી હવે રંગ પકડી રહી છે અને ચૂંટણી પંચ તારીખોની જાહેરાત કરે તે પહેલા જ ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી ચૂંટણીનો શંખ વગાડી દીધો છે. ભાજપની પહેલી યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બેઠકની જાહેરાત પણ થઈ ચૂકી છે. મોદી ફરી ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી ચૂંટણી લડવાના છે. ત્યારે મોદીને ટક્કર આપે તેવા ઉમેદવાર શોધવાની ખૂબ અઘરી કવાયત કૉંગ્રેસે કરવી પડે તેમ છે. અગાઉ આ બેઠક પરથીn પ્રિયંકા ગાંધીનું નામ બોલાતું હતું, પરંતુ પ્રિયંકા હવે દીવ-દમણની બેઠક પરથી ચૂંટણી લડે તેવી સંભાવના છે ત્યારે વારાણસીમાં કૉંગ્રેસ વર્તુળોમાં એક નવું જ નામ બોલાઈ રહ્યું છે.
અહીંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ મોદી સરકારની ટીકા કરનાર સત્યપાલ મલિકના નામની ચર્ચા ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે આરોપ લગાવ્યો હતો કે જમ્મુ-કાશ્મીરમાં 2019માં થયેલા પુલવામા હુમલાની ઘટના માટે કેન્દ્રની મોદી સરકાર જવાબદાર છે.
કોંગ્રેસ કેન્દ્રીય સમિતિ દ્વારા આ સલાહ મળી હોવાનું કહેવાય છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર પૂર્વ સાંસદ ડૉ.રાજેશ મિશ્રાએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. આવી સ્થિતિમાં સત્યપાલ મલિક વડાપ્રધાન સામે ઉમેદવાર બની શકે છે. બીજી તરફ સપાના નેતા અથર જમાલ લારીએ કહ્યું કે ઈન્ડિયા ગઠબંધનની બેઠક વહેંચણી અનુસાર આ બેઠક કૉંગ્રેસ પાસે છે. વારાણસીમાં જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ મલિકને વડાપ્રધાન સામે ચૂંટણી પડકારને ઝીલવાની તક આપવામાં આવે તેવી વિનંતી તેઓ કૉંગ્રેસને કરશે.
મલિકે મોદી સરકાર પર આકરા પ્રહારો અને આક્ષેપો કર્યા હતા અને ત્યારબાદ તેમના ઘરે ઈડીની રેડ પણ પડી હતી. જોકે મલિક જાહેર જનતામાં જાણીતું નામ ન હોવાનું પણ કહેવાય છે. વળી, વડા પ્રધાન પોતાના મતવિસ્તારમાં સતત સક્રિય રહ્યા છે અને લોકોના સંપર્કમાં રહે છે, આથી તેમની સામે ટકકર ઝીલવાનું અઘરું સાબિત થશે.