PM Narendra Modi Birthday: આવતીકાલે દેશવાસીઓને શું મળશે ગિફ્ટ?

નવી દિલ્હીઃ આવતીકાલે ૧૭ સપ્ટેમ્બરના મંગળવારના દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ૭૩ મો જન્મદિવસ છે. પીએમ મોદીના જન્મદિવસ માટે કેટલીક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમ મોદીના જન્મદિવસ પર ફ્રી ઓટો રાઈડની સુવિધા આપવામાં આવી રહી છે તેમ જ શોપિંગ અને હોટેલના બિલમાં ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
પીએમ મોદીના જન્મદિવસે ગુજરાતના સુરત શહેરમાં લોકોને આ તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે. મંગળવારે અહીં પીએમ મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવાની યોજના છે.
ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નેતા પૂર્ણેશ મોદીએ કહ્યું કે તેમના વિધાનસભા ક્ષેત્રના ઘણા સ્થાનિક વ્યવસાયીઓ પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી માટે ૧૦ ટકાથી લઈને ૧૦૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપશે. હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, ક્લિનિક્સ, શાકભાજી બજારો અને બેકરીઓ સહિતના વિવિધ ક્ષેત્રોના વ્યવસાયો ગ્રાહકોને ઓફર કરવામાં આવતા ડિસ્કાઉન્ટમાં ભાગ લેશે.
પૂર્ણેશ મોદીએ વધુમાં કહ્યું કે, ‘મારા વિધાનસભા ક્ષેત્રમાં દર વર્ષે પીએમ મોદીના જન્મદિવસ પર અમે લોકોના કલ્યાણ માટે કામ કરીએ છીએ. આ વિસ્તારમાં વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલા લગભગ ૨,૫૦૦ ઉદ્યોગપતિઓ છે, જે લોકોને તેમના સામાન અને ખરીદી પર ભારે ડિસ્કાઉન્ટ આપે છે. દરેક દુકાનની પોતાની યોજનાઓ છે. શું ડિસ્કાઉન્ટ આપવું, કેટલું ડિસ્કાઉન્ટ આપવું ? આ તેમનો નિર્ણય છે. આ બધું સ્વૈચ્છિક છે.
આપણ વાંચો: બાંગ્લાદેશી, રોહિંગ્યાની ઘૂસણખોરી ઝારખંડ સામેનું મોટું સંકટ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી
પીએમ મોદીના જન્મદિવસને લઈને સુરતમાં ઓટો યુનિયને કહ્યું કે તેઓ આ ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે. યુનિયનના પ્રમુખ રાજુ ભંડારીએ કહ્યું, ‘અમે તેને સેવા દિવસ તરીકે ઉજવીશું, અમે મુસાફરોને મફતમાં લઈ જઈશું. સોમવાર, ૧૬ સપ્ટેમ્બરથી મફત ઓટો સવારી ચાલુ થશે.
તહેવારોની સિઝનમાં ઉપલબ્ધ આ વિશેષ ડિસ્કાઉન્ટને લઈને સુરતમાં લોકો ખૂબ જ ઉત્સાહિત છે. એક ગ્રાહકે જણાવ્યું કે તહેવારો ચાલી રહ્યા છે. તેથી અમે ખરીદી કરી રહ્યા છીએ. અમને ખબર પડી કે ૧૭ સપ્ટેમ્બરે પીએમ મોદીનો જન્મદિવસ છે અને અહીં સારું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેથી અમે અમુક સામાન ખરીદવાનું આયોજન કર્યું છે.
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ પર ‘સુભદ્રા યોજના’ શરૂ કરવા માટે ઓડિશા જશે. ભાજપના સાંસદ સંબિત પાત્રાએ કહ્યું હતું કે ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ ઓડિશામાં ‘મોદીની ગેરંટી’ આપી હતી.
જેમાં તેમણે વચન આપ્યું હતું કે જો ભાજપની સરકાર બનશે તો પાંચ વર્ષમાં દરેક મહિલાને ૫૦ હજાર રૂપિયા મળશે. આ પ્રક્રિયા ૧૭ સપ્ટેમ્બરથી શરૂ થશે. જેમાં લગભગ ૧ કરોડ ૩૦ લાખ મહિલાઓને સુભદ્રા યોજના દ્વારા ૫,૦૦૦ રૂપિયાનો પ્રથમ હપ્તો મળશે. પીએમ મોદી આ પહેલો હપ્તો જાહેર કર્યો હતો.