PM Modiના જન્મદિવસે દેશમાં સ્વસ્થ નારી, સશક્ત પરિવાર' અભિયાનનો શુભારંભ કરાશે | મુંબઈ સમાચાર
નેશનલ

PM Modiના જન્મદિવસે દેશમાં સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાનનો શુભારંભ કરાશે

17 સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધીમાં દેશમાં 75,000થી વધુ કરવામાં આવશે 'હેલ્થ કેમ્પ'

નવી દિલ્હીઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી 17મી સપ્ટેમ્બરે જન્મદિવસ હોવાથી ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું છે કે વડા પ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવશે. 17 સપ્ટેમ્બરથી લઈને બીજી ઓક્ટોબર સુધી ભારતભરમાં કુલ 75,000 સ્વાસ્થ્ય કેમ્પનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પીએમ મોદી 17મી સપ્ટેમ્બરે ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન’નું શુભારંભ કરવામાં આવશે એવું જેપી નડ્ડાએ જણાવ્યું હતું. પીએમ મોદીના જન્મદિવસે આ કેમ્પ શરૂ થશે અને ગાંધી જ્યંતિ સુધી આ કેમ દ્વારા વિના મૂલ્યે લોકોને સેવા આપવામાં આવશે.

અભિયાનના ઉદ્દેશ્ય વિશે જેપી નડ્ડાએ આપી જાણકારી

જેપી નડ્ડાના જણાવ્યાં પ્રમાણે આ ઝુંબેશનો ઉદ્દેશ્ય મહિલાઓ અને બાળકો માટે આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવાનો છે, જેથી તેમની સુલભતા, ગુણવત્તાયુક્ત સંભાળ અને જાગૃતિ સુનિશ્ચિત કરી શકાય. કેન્દ્રીય પ્રધાન જેપી નડ્ડાએ એક્સ પર પોસ્ટ કરીને આ અભિયાન અંગે જાણકારી આપી હતી. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ શિબિરોનું આયુષ્માન આરોગ્ય મંદિરો, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો અને અન્ય આરોગ્ય સંસ્થાઓમાં આયોજન કરવામાં આવશે.

આંગણવાડી કેન્દ્રોમાં ‘પોષણ માસ’ની ઉજવણી કરાશે

આ શિબિરોમાં ખાસ કરીને મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યની સંભાળ લેવામાં આવશે. સ્વાસ્થ્ય શિબિરો સાથે સાથે દરેક આંગણવાડી કેન્દ્રોમાં પણ ‘પોષણ માસ’ની ઉજવણી કરવામાં આવશે. આના કારણે બાળકોનું સ્વાસ્થ્ય સારૂ રહેશે, ખાસ કરીને સ્વસ્થ પરિવાર અને સશક્ત પરિવાર માટે આ પ્રયત્ન ખૂબ જ મહત્વનો સાબિત થશે તેવું કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું.

મહત્વની વાત એ છે કે, આ દરમિયાન ખાનગી હોસ્પિટલો પણ આ અભિયાનમાં સામેલ થયા તેવી અપીલ કરવામાં આવી છે. જેપી નડ્ડાએ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે, ‘હું દરેક ખાનગી હોસ્પિટલો અને સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલી સંસ્થાઓને અપીલ કરૂ છું કે, તેઓ આગળ આવે અને જન કલ્યાણના આ અભિયાનમાં પોતાનું યોગદાન આપે. ચાલો આપણે બધા સાથે મળીને વિકસિત ભારત બનાવવા માટે આપણા સામૂહિક પ્રયાસોને મજબૂત બનાવીએ.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button