PM Narendra Modi Bhutan Visit: PM મોદીનો ભુતાન પ્રવાસ સ્થગિત, જાણો શું છે કારણ?
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi Bhutan Visit) 21 અને 22 માર્ચ એમ બે દિવસ પાડોશી દેશ ભુતાનની બે દિવસીય મુલાકાતે જવાના હતા.ભુતાનના વડા પ્રધાન શેરિંગ તોબગે તાજેતરમાં પાંચ દિવસની ભારતની મુલાકાતે આવ્યા હતા અને પીએમ મોદીને ભુતાન આવવાનું આમંત્રણ આપ્યું હતું. જો કે હવે પીએમ મોદીની ભુતાન મુલાકાત સ્થગિત કરી દેવામાં આવી છે.
વિદેશ મંત્રાલયે બુધવારે સાંજે માહિતી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂટાનની સૂચિત રાજ્ય મુલાકાત ખરાબ હવામાનને કારણે સ્થગિત કરવામાં આવી છે. માહિતી અનુસાર, પારો એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે, 21-22 માર્ચ 2024ના રોજ પ્રધાનમંત્રીની ભુતાન રાજ્ય મુલાકાતને સ્થગિત કરવાનો પરસ્પર નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતના વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે બંને દેશો પીએમ મોદીની પ્રસ્તાવિત બે દિવસીય રાજકીય યાત્રા માટે નવી તારીખો પર ચર્ચા કરી રહ્યા છે. PM મોદીના ભુતાન પ્રવાસને લઈને વિદેશ મંત્રાલયનું નિવેદન પણ સામે આવ્યું છે. મંત્રાલયે કહ્યું કે ભારત અને ભુતાન એક અનોખી અને કાયમી ભાગીદારી ધરાવે છે. આ ભાગીદારીનું મૂળ પરસ્પર વિશ્વાસ, સમજણ અને સદ્ભાવના છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વડા પ્રધાન મોદીની આ મુલાકાત ભારત અને ભુતાન વચ્ચે નિયમિત ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની પરંપરા અને સરકારની નેબર ફર્સ્ટ નીતિ પર ભાર મૂકવાની છે. ભુતાનની સરહદ ભારત અને ચીન બંનેને અડીને આવેલી છે, જે બફર સ્ટેટ તરીકે કામ કરે છે. આવી સ્થિતિમાં ચીન ભુતાનને પોતાના પક્ષમાં લાવવાના તમામ પ્રયાસો કરે છે.
તાજેતરના સમયમાં ચીને પણ ભુતાન પોતાની દખલગીરી વધારી છે, તેથી PM મોદીની આ ભુતાનની મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે 2014માં સત્તા સંભાળ્યા બાદ પણ પીએમ મોદી તેમની પ્રથમ મુલાકાતે ભુતાન ગયા હતા.