અયોધ્યાઃ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પીએમ મોદી દરેક બાબતોમાં અંગત રસ લઇ રહ્યા છે. દરમિયાન ગયા શુક્રવારે મળેલી કેબિનેટ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનોને ઘણી કડક સૂચનાઓ આપી હતી. પીએમ મોદીએ ખાસ કરીને અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના અભિષેક કાર્યક્રમને લઈને મંત્રીઓને એલર્ટ કર્યા હતા. બેઠકમાં પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું હતું કે આસ્થા બતાવો, અગ્રેશન (આક્રમકતા) નહીં.
સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીએ પોતાના પ્રધાનોને કોઈ પણ પ્રકારની નિવેદનોથી બચવાની સલાહ પણ આપી હતી. તેમણે કહ્યું હતું કે મંત્રીઓએ સરકારની ગરિમાનું ધ્યાન રાખવું જોઈએ. આ દરમિયાન પીએમએ પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મંત્રીઓને પોતપોતાના વિસ્તારોમાં કોઈપણ પ્રકારની ખલેલ ન પહોંચે તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું.
વડા પ્રધાને કહ્યું હતું કે પોતપોતાના વિસ્તારના લોકોને 22 જાન્યુઆરી પછી જ રામ લલ્લાના દર્શન કરવા લઈ જવા જોઈએ. રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીએ છે, જેમાં દેશના પસંદગીના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પછી પણ મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચે તેવી સંભાવના છે, જેને જોતા પીએમ મોદીએ પોતાના પ્રધાનોને આ પ્રકારના નિર્દેશ આપ્યા છે, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને લોકોને પણ હાડમારીનો સામનો ના કરવો પડે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું હતું કે 125 સંત પરંપરાના સંતો અને મહાત્માઓ અભિષેકમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત 13 અખાડા અને 6 સનાતન દર્શનના ધર્મગુરુઓ પણ અભિષેક સમારોહમાં ભાગ લેશે.
દેશના વિવિધ ક્ષેત્રો જેમ કે રમતગમત, મનોરંજન, વિજ્ઞાન, ન્યાય અને અન્ય ક્ષેત્રોમાંથી અઢી હજાર લોકોને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. આ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ચંપત રાયના જણાવ્યા અનુસાર 50 દેશોમાંથી લગભગ 100 મહેમાનો પણ અયોધ્યા પહોંચશે. દેશમાં જ નહીં વિદેશમાં પણ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ ટેલિકાસ્ટ થશે.
ઉપરાંત, દેશના તમામ રાજ્યો વિદેશમાં આવેલી વિવિધ ભારતીય દૂતાવાસોમાં પણ રામ લલાના અભિષેકનું પ્રસારણ કરવામાં આવશે. અયોધ્યામાં રામ મંદિરના અભિષેકનું 22 જાન્યુઆરીએ અમેરિકાના ન્યૂ યોર્ક સિટીના ટાઈમ્સ સ્ક્વેર ખાતે લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આ ઐતિહાસિક અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશ-વિદેશના તમામ રામ ભક્તોને સંબોધિત કરશે.