મન કી બાત’માં PM મોદીએ જેની વાત કરી: જાણો કોણ છે આ બહાદુર મહિલા નેવી ઓફિસર?

આ નારીશક્તિએ આઠ મહિનામાં દરિયામાં 50,000 કિમીની મુસાફરી ખેડીને નામ રોશન કર્યું છે
નવી દિલ્હીઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ‘મનકી બાત’ના 126મા એપિસોડમાં દેશવાસીઓ સાથે ખાસ વાતચીત કરી હતી. આ કાર્યક્રમમાં તેમણે ભારતની સાંસ્કૃતિક વિરાસતને વૈશ્વિકસ્તરે પહોંચાડવાની વાત કરી હતી.
ઉપરાંત, વડા પ્રધાન મોદીએ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો અને નારી શક્તિની સાથે ભારતીય નૌસેનાની બહાદુરીની પણ પ્રશંસા કરી. ખાસ કરીને, તેમણે બે નૌસેના અધિકારીઓની પ્રેરણાદાયી સિદ્ધિની વાત કરી, જે દરેક ભારતના માટે ગૌરવની વાત છે.
પીએમ મોદીએ ‘મનકી બાત’માં નવરાત્રીના પવિત્ર તહેવારમાં નારીશક્તિની ઉપાસના અને ઉજવણીની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે દેશની દીકરીઓ બિઝનેસ, રમતગમત, શિક્ષણ અને વિજ્ઞાન જેવા અનેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા સાબિત કરી રહી છે.

આ ઉપરાંત, તેમણે ભારતીય નૌસેનાની બે મહિલા અધિકારીઓ, લેફ્ટનન્ટ કમાન્ડર દિલના અને લેફ્ટનન્ટ કમાન્ડર રૂપાની ‘નાવિકા સાગર પરિક્રમા’ દરમિયાનની અસાધારણ સફળતાનો ઉલ્લેખ કર્યો, જેમણે દરિયામાં આઠ મહિના સુધી પડકારજનક પરિસ્થિતિઓમાં 50,000 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી છે.
પીએમ મોદીએ નવરાત્રીના સંદર્ભમાં નારી શક્તિની પ્રશંસા કરતા કહ્યું કે, ભારતની દીકરીઓ દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા દર્શાવી રહી છે. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે દિલના અને રૂપાએ દરિયામાં પવનની શક્તિથી ચાલતી નાવમાં આટલી લાંબી અને જોખમી યાત્રા પૂર્ણ કરીને દેશનું નામ રોશન કર્યું હતું. આ બંને અધિકારીઓએ દર્શાવ્યું કે સાહસ અને દૃઢ નિશ્ચયથી કોઈ પણ પડકારને પાર કરી શકાય છે.
પીએમ મોદીએ ‘મન કી બાત’ના શ્રોતાઓને લેફ્ટનન્ટ કમાન્ડર દિલના અને લેફ્ટનન્ટ કમાન્ડર રૂપાનો પરિચય કરાવ્યો. આ બંને અધિકારીઓએ ફોન પર વડા પ્રધાન સાથે વાતચીત કરી અને ‘નાવિકા સાગર પરિક્રમા’ દરમિયાનના તેમના અનુભવો શેર કર્યા.
તેમની આ યાત્રા દરમિયાન અણધાર્યા હવામાન અને દરિયાઈ પડકારોનો સામનો કરવો પડ્યો, છતાં તેમણે હિંમત અને દૃઢ નિશ્ચયથી આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ વાતચીતે દેશવાસીઓને પ્રેરણા આપી અને નૌસેનાની શક્તિનું ગૌરવ વધાર્યું.
આ પણ વાંચો…‘એ જ પ્રોડક્ટ ખરીદો જેમાં દેશવાસીઓનો પરસેવો હોય’, જાણો વડા પ્રધાન મોદીએ ‘મન કી બાત’માં શું કહ્યું