પીએમ મોદીનો દિવાળી સંદેશ: ‘વિકસિત ભારત’ના સંકલ્પ સાથે દેશવાસીઓને લખ્યો પત્ર

નવી દિલ્હી: દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એક હૃદયસ્પર્શી પત્ર લખીને શુભેચ્છાઓ પાઠવી છે. આ પત્રમાં તેમણે અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય નિર્માણ પછીની બીજી દિવાળીનો ઉલ્લેખ કર્યો છે અને ભગવાન રામના જીવનથી પ્રેરણા લઈને ન્યાય માટે લડવાનો સંદેશ આપ્યો છે. આ પત્રમાં વિકસિત ભારતના સપના અને નાગરિકોની જવાબદારીઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, જે દેશવાસીઓ માટે પ્રેરણાદાયી છે.
વડા પ્રધાન મોદીએ પોતાના પત્રમાં જણાવ્યું કે આ દિવાળી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પછીની બીજી દિવાળી છે, જે ભગવાન રામના ધર્મ અને ન્યાયના માર્ગનું પ્રતીક છે. તેમણે ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કર્યો, જેમાં ભારતે ન્યાયની લડાઈ લડી હતી. તેમણે એ પણ ઉલ્લેખ્યું કે તાજેતરમાં ઘણા લોકોએ હિંસાનો માર્ગ છોડીને વિકાસની મુખ્ય ધારામાં જોડાઈને સંવિધાનમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જે રાષ્ટ્ર માટે ગૌરવની વાત છે.
વિકસિત ભારતની દિશામાં પ્રયાસો
પીએમ મોદીએ જણાવ્યું કે ભારતે તાજેતરમાં નેક્સ્ટ-જનરેશન સુધારાઓની શરૂઆત કરી છે, જેમાં નવરાત્રીના પ્રથમ દિવસે ઓછી જીએસટી દરો લાગુ કરવામાં આવી. જેનાથી ‘જીએસટી બચત ઉત્સવ’ દરમિયાન નાગરિકોના હજારો કરોડ રૂપિયાની બચત થઈ રહી છે. વૈશ્વિક સંકટો વચ્ચે ભારત સ્થિરતા અને સંવેદનશીલતાનું પ્રતીક બન્યું છે અને નજીકના ભવિષ્યમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
નાગરિકોની જવાબદારીઓ
વડાપ્રધાને નાગરિકોને ‘વિકસિત ભારત’ના નિર્માણમાં પોતાના કર્તવ્યો નિભાવવા પર ભાર મૂક્યો છે. તેમણે ‘સ્વદેશી’ અપનાવવા અને સ્વદેશીને ગૌરવ લેવા માટે પ્રોત્સાહન આપ્યું. આ ઉપરાંત, ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવના વધારવા, તમામ ભાષાઓનું સન્માન કરવા અને સ્વચ્છતા જાળવવાની અપીલ કરી હતી. તેમણે નાગરિકોને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા, ખોરાકમાં તેલનો ઉપયોગ 10 ટકા ઘટાડવા અને યોગ અપનાવવાનો સૂચન કર્યું.
આપણ વાંચો: ‘INS વિક્રાંત ભારતની શક્તિનું પ્રતિક…’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નૌકાદળના જવાનો સાથે દિવાળી ઉજવી
આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન
પીએમ મોદીએ આ પત્રમાં ભારતની પ્રગતિ અને આત્મનિર્ભરતા પર ભાર મૂકતા કહ્યું કે આ સર્વાંગી પ્રયાસો દેશને ‘વિકસિત ભારત’ના લક્ષ્ય તરફ ઝડપથી લઈ જશે. આ પત્ર દેશવાસીઓને એકજૂટ થઈને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રેરિત કરે છે. દિવાળીનો આ સંદેશ નાગરિકોમાં નવો ઉત્સાહ જગાવે છે અને રાષ્ટ્રીય એકતા તેમણે નાગરિકોને સ્વદેશી ગૌરવનું મહત્વ દર્શાવે છે.