બિહાર ચૂંટણી: ઘૂસણખોરો પર PM મોદીનો પ્રહાર, જે ઘૂસણખોરો છે, તેમને બહાર જવું જ પડશે! | મુંબઈ સમાચાર
નેશનલ

બિહાર ચૂંટણી: ઘૂસણખોરો પર PM મોદીનો પ્રહાર, જે ઘૂસણખોરો છે, તેમને બહાર જવું જ પડશે!

પૂર્ણિયા: બિહારમાં ચૂંટણીની મોસમ પુરજોશમાં જામી છે, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 36 હજાર કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપી હતી. આ દરમિયાન તેમણે પૂર્ણિયામાં આયોજિત એક સભામાં ડેમોગ્રાફીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ઘૂસણખોરોને બહાર જવું જ પડશે. ઘૂસણખોરી પર તાળું લગાવવાની એનડિએની પાક્કી જવાબદારી છે. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને આરજેડી પર આકરા પ્રહારો કર્યા હતા તેમજ કહ્યું હતું કે તેઓને બિહારનો વિકાસ પચતો નથી.

પૂર્વી ભારતમાં ડેમોગ્રાફીને લીધે મોટું સંકટ

પીએમ મોદીએ કહ્યું કે સીમાંચલ અને પૂર્વી ભારતમાં ઘૂસણખોરોને કારણે ડેમોગ્રાફીને લીધે કેટલું મોટું સંકટ ઊભું થયું છે. બિહાર, બંગાળ, આસામ જેવાં રાજ્યોના લોકો પોતાની બહેનો અને દીકરીઓની સુરક્ષાને લઈને ચિંતિત છે. તેથી જ મેં લાલ કિલ્લા પરથી ડેમોગ્રાફી મિશનની જાહેરાત કરી છે. પરંતુ, વોટ બેંકના સ્વાર્થ જુઓ, કોંગ્રેસ, આરજેડી અને તેમના ઇકો-સિસ્ટમના લોકો ઘૂસણખોરોની વકીલાત કરવામાં લાગેલા છે, તેમને બચાવવામાં લાગેલા છે અને બેશર્મી સાથે વિદેશથી આવેલા ઘૂસણખોરો માટે નારા લગાવી રહ્યા છે અને યાત્રાઓ કાઢી રહ્યા છે.

દેશના સંસાધનો અને સુરક્ષા બંને દાવ પર

તેમણે કહ્યું કે આ લોકો બિહાર અને દેશના સંસાધનો અને સુરક્ષા બંનેને દાવ પર લગાવવા માંગે છે, પરંતુ આજે પૂર્ણિયાની ધરતી પરથી હું આ લોકોને એક વાત સારી રીતે સમજાવવા માંગુ છું કે આ આરજેડી અને કોંગ્રેસની ટોળકી મારી વાત ધ્યાનથી સાંભળી લે કે જે પણ ઘૂસણખોર છે તેને બહાર જવું જ પડશે. ઘૂસણખોરી પર તાળું મારવું એ NDAની પાકી જવાબદારી છે.

બચાવ કરનારા નેતાઓને પણ પડકાર

હું ઘૂસણખોરોનો બચાવ કરનારા નેતાઓને પડકાર આપું છું કે તેઓ ઘૂસણખોરોને બચાવવા માટે આગળ આવે. તમે ઘૂસણખોરોને બચાવવા માટે ગમે તેટલા પ્રયાસ કરી લો, અમે ઘૂસણખોરોને બહાર કાઢવાના સંકલ્પ પર કામ કરતા રહીશું, આ મોદીની ગેરંટી છે. ઘૂસણખોરો સામે કાર્યવાહી થશે અને દેશ તેના સારા પરિણામો પણ જોશે. કોંગ્રેસ અને આરજેડી ઘૂસણખોરીના સમર્થનમાં જે મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે, તેનો બિહાર અને દેશની જનતા જડબાતોડ જવાબ આપશે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button