
નવી દિલ્હીઃ પહલગામ હુમલા પછી નિર્દોષોએ ગુમાવેલા લોકોનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે ભારતીય સૈન્યની ચાલેલી ગતિવિધિઓ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓને સંબોધતી વખતે ત્રણેય પાંખ, ઈન્ટેલિજન્સ એજન્સીને ઓપરેશન બદલ શુભેચ્છાઓ પાઠવી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જો ભારત પર કોઈ પણ પ્રકારનો આતંકવાદી હુમલો થશે તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. ભારતને જો પરમાણુ હુમલાની પણ ધમકી આપવામાં આવે તો પણ તેનો ભારત નિર્ણાયક અને સટિક જવાબ આપતા ખચકાશે નહીં.
આતંકવાદીઓએ સપનામાં પણ વિચાર્યું નહોતું કે હુમલો થશે
ઓપરેશન સિંદૂર લોકોની ભાવનાઓનું પ્રતીક છે. ન્યાયની અખંડ પ્રતિજ્ઞા છે. છ મેની મોડી રાત અને સાતમી મેના પરોઢિયે ભારતની સેનાએ પાકિસ્તાનના આતંકવાદીઓના ઠેકાણા, ટ્રેનિેંગ સેન્ટર પર સટિક હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ સપનામાં પણ વિચાર્યું નહોતું કે ભારત આટલો મોટો નિર્ણય લેશે.
દુનિયાએ ભારતની શક્તિ અને સંયમને જોયો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઓપરેશન સિંદૂર પછી દેશને સંબોધતા કહ્યું હતું કે વીતેલા દિવસોમાં દુનિયાએ ભારતની શક્તિ અને સંયમ જોયો. તેમણે દેશની ત્રણેય પાંખના જવાનો, વૈજ્ઞાનિકોને સલામ આપ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે આપણા બહાદુર સૈનિકોએ ઓપરેશનના ઉદ્દેશોને પ્રાપ્ત કરવા માટે અપાહ હિંમત દર્શાવી. આજે તેમની બહાદુરી આપણા દેશની દરેક માતા, બહેન અને પુત્રીને સમર્પિત કરું છં.
અગાઉ પણ દેશવાસીઓને મોદીએ સંબોધ્યા છે
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ હાલાત વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આઠ વાગ્યે સંબોધવાની જાહેરાત કરી હતી. આ અગાઉ ભૂતકાળમાં કટોકટીના સંજોગોમાં અચાનક સંબોધીને સૌને ચોંકાવ્યા હતા, જેમાં નોટબંધીથી લઈને લોકડાઉનનો સમાવેશ હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે દેશની ત્રણેય પાંખના અધિકારીઓએ પણ મહત્ત્વની માહિતી આપી હતી